નંદીગ્રામ પેટાચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ: ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા મમતા બેનર્જીએ કર્યો મોટો ખેલ, કોંગ્રેસને આપ્યું સમર્થન!

પશ્ચિમ બંગાળની હાઈ-વોલ્ટેજ નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો છે. મમતા બેનર્જી જૂથના સત્તાવાર ઉમેદવાર સંચિતા પ્રધાન ડે દ્વારા અચાનક ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેવામાં આવતા સમગ્ર રાજકીય ગણિત બદલાઈ ગયું છે. આ ઘટનાક્રમ બાદ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેમનું જૂથ હવે નંદીગ્રામમાં પોતાનો કોઈ નવો ઉમેદવાર નહીં ઉતારે પરંતુ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સંપૂર્ણ સમર્થન આપશે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ ફોર્મ પરત ખેંચ્યું
મમતા જૂથ દ્વારા 13 સપ્ટેમ્બરે સંચિતા પ્રધાન ડેને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, તેમણે નબન્ના ખાતે પહોંચીને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ અણધારી રીતે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો.
રાહુલ ગાંધીના ફોન બાદ INDIA ગઠબંધન એકજૂટ
સંચિતાની ઉમેદવારી રદ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને ફોન કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે INDIA ગઠબંધન સાથે મળીને ભાજપ સામે લડશે. આ સાથે તેમણે અરવિંદ કેજરીવાલના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ચૂંટણી પંચ, ભાજપ અને EVM પર આકરા પ્રહારો
મમતા બેનર્જીએ આ દિવસને લોકશાહી માટે 'કાળો દિવસ' ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીને હરાવવા માટે SIR અને EVM સાથે ચેડાં કરવામાં આવ્યા છે તથા મતગણતરી CRPF મારફતે કરાવાઈ હતી. તેમણે દાવો કર્યો કે 29 વર્ષ જૂની પાર્ટીનું બેંક ખાતું સીઝ કરાયું છે, 14 હજાર કાર્યકરો જેલમાં છે અને તેમને પણ નજરકેદ (હાઉસ અરેસ્ટ) જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.
પાર્ટીનું નામ અને ચિહ્ન વિવાદ
ચૂંટણી પંચના વચગાળાના નિર્ણય પર બોલતા મમતાએ કહ્યું કે આ આખરી ફેંસલો નથી અને તેઓ તેને કાયદાકીય રીતે પડકારશે. ઉલ્લેખનીય છે કે પંચે મમતા જૂથને 'Mamata All India Trinamool Congress' નામ અને 'ફૂટબોલ ખેલાડી'નું પ્રતીક ફાળવ્યું છે, જ્યારે અરૂપ રોય જૂથને 'લિફાફા'નું ચિહ્ન મળ્યું છે.
6 ઓક્ટોબરે પેટાચૂંટણી
નંદીગ્રામ અને રેજીનગર બેઠક પર 6 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામો 9 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી, જ્યાં ભાજપે હાસીરાની રથને મેદાનમાં ઉતાર્યા છે.

