VIDEO: નંદીગ્રામ પેટાચૂંટણીમાં 50,000 મતોથી જીતનો દાવો! CM શુભેન્દુ અધિકારીના નિવેદનથી ગરમાયું રાજકારણ
પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ બેઠક પર ભાજપની જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભાજપ આ પેટાચૂંટણી 50,000થી વધુ મતોની સરસાઈ સાથે જીતશે.
નંદીગ્રામ બેઠક ખાલી કરવાના કારણ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "જનતાએ ભાજપ અને મારા પર વિશ્વાસ મૂકીને મતદાન કર્યું હતું, પરંતુ બંધારણીય નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ એક સાથે બે વિધાનસભા બેઠકો પર ધારાસભ્ય રહી શકતી નથી. આ કારણે મારે એક બેઠક છોડવી પડી હતી. નંદીગ્રામ સાથે મારો ઊંડો લગાવ છે અને આ બેઠક પ્રત્યે મારી સંપૂર્ણ જવાબદારી છે. ભાજપ સરકારે જે પ્રકારે વિકાસ કાર્યો કર્યા છે, તેના આધારે જનતા ફરી એકવાર ભાજપ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કરશે."
ઉમેદવાર તરીકે હાસિરાની રથની પસંદગી
આ પેટાચૂંટણીમાં ભાજપે પોતાના દિવંગત કાર્યકર્તા અને મુખ્યમંત્રીના પૂર્વ પીએ ચંદ્રનાથ રથનાં માતા હાસિરાની રથને ઉમેદવાર બનાવ્યાં છે. ઉમેદવાર અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "તેઓ ચંદ્રનાથ રથનાં માતા હોવા ઉપરાંત ભાજપનાં સમર્પિત કાર્યકર છે અને જિલ્લા કારોબારી સમિતિના સભ્ય તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે."
ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પરથી જીત નોંધાવી હતી. બાદમાં તેમણે ભવાનીપુર બેઠક જાળવી રાખી નંદીગ્રામ પરથી રાજીનામું આપતાં આ પેટાચૂંટણી અનિવાર્ય બની છે.

