VIDEO: અમદાવાદના ઈન્ડિયા કોલોનીમાં ઉતાવળે લોકાર્પણનો ફિયાસ્કો, લાખોના ખર્ચે ટાંકી બની છતાં જનતા તરસી
VIDEO: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસના દાવાઓ વચ્ચે ઉત્તર ઝોનના ઈન્ડિયા કોલોની વોર્ડમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં લાખો લિટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવવામાં આવી હોવા છતાં, સ્થાનિક રહીશોને હજુ પણ પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી.
ઉતાવળે લોકાર્પણનો આક્ષેપ સ્થાનિક લોકોનો આરોપ છે કે પાણીની ટાંકીનું કામ હજુ પૂર્ણ થયું નહોતું, તેમ છતાં ગત 25 ડિસેમ્બર 2025ના રોજ ઉતાવળે ઓનલાઈન લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 728ની સામે, કસ્તુરબા ગાર્ડન અને શ્રીજી હાઈસ્કૂલની પાછળ આવેલી આ 10 લાખ લિટરની ટાંકીથી લોકોને મોટી આશા હતી, પરંતુ ઉદ્ઘાટનના દોઢ મહિના પછી પણ સ્થિતિ જૈસે થે છે.
આ સોસાયટીઓમાં પાણીની તીવ્ર અછત ઈન્ડિયા કોલોની વોર્ડના અનેક વિસ્તારોમાં પાણીનું પ્રેશર નહિવત હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને:
આસોપાલવ સોસાયટી
હરિઓમ સોસાયટી
સોનલ પાર્ક અને ઘનશ્યામ નગર
મનમોહન સોસાયટી અને જાગૃત સોસાયટી
તેજાભાઈ રબારીવાસ
આ વિસ્તારોમાં રહેતા લોકોનું કહેવું છે કે ટાંકી હોવા છતાં તેઓએ પાણી માટે વલખાં મારવા પડે છે.
તંત્ર સામે જનતાની માંગ
સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાનું યોગ્ય રીતે સંચાલન થાય અને આગામી સમયમાં જરૂરી કામગીરી પૂર્ણ કરી પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જનતામાં રોષ વધુ પ્રબળ બની શકે છે.

