Surat / ઓનલાઇન ગેમના વિવાદમાં ડબલ મર્ડર,3 સગીરોએ 2 મિત્રો પર કર્યો જીવલેણ હુમલો

સુરતમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં ઓનલાઈન ગેમના ઝઘડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘરની બહાર ગેમ રમી રહેલા 2 સગીર પર તેના જ વિસ્તારના અન્ય 3 સગીરો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં બંને સગીરના મૃત્યું નિપજ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી.
મળતી માહિતી અનુસાર, નાનપુરા મટન માર્કેટ વિસ્તાર નજીક સામાન્ય બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. 3 સગીર દ્વારા ઘરની બહાર ગેમ રમી રહેલા 2 સગીરો પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો. અઠવા પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બીજી તરફ મૃતકોના પરિજનો દ્વારા આ ઘટના ઓનલાઈન ગેમના કારણે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકના સંબંધીનું જણાવવું છે કે, આ ઘટના ઓનલાઈન ગેમ પરથી થઈ છે. ગેમ રમતા સમયે અપશબ્દોને લઈ મિત્રો વચ્ચે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આ હત્યા થઈ છે. નોંધનીય છે કે, મૃતકોમાંથી એકના પિતા જેલમાં છે અને બીજાના પિતા દિવ્યાંગ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સગીરના પિતાની મટનની દુકાન છે. ત્યારે તે ડરાવવાના ઈરાદે દુકાનમાંથી મટન કાપવાનો છરો લઈને ગયો હતો. પરંતુ બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા તેણે પોતાનો કાબૂ ગુમાવ્યો અને પોતાના જ મિત્રો પર છરાના ઘા ઝીંકી દીધા હતા.








