VIDEO: ગુજરાતમાં બદલાતું હવામાન: વરસાદની આગાહી અને વધતી ગરમીનો બેવડો પ્રહાર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
VIDEO: ગુજરાતમાં હાલના દિવસોમાં હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એકતરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો બીજી તરફ ગરમીના પારામાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
સાયકલોનિક સર્ક્યુલેશનની અસર
હાલમાં રાજસ્થાન પર એક 'સાયકલોનિક અપર એર સિસ્ટમ' સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસો દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
ગરમીમાં મોટો ઉછાળો
વરસાદી માહોલ હોવા છતાં, રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને ગરમી વધશે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ગઈકાલના આંકડા જોઈએ તો અમદાવાદમાં 31.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 31 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ આજે આ બંને શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. નોંધનીય છે કે કંડલામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે.
ખેડૂતો માટે આ માવઠાની આગાહી ચિંતાજનક સાબિત થઈ શકે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં બપોરના સમયે ગરમીનો ઉકળાટ વધશે.

