VIDEO: માનવતાનો મહેકતો કિસ્સો: દુબઈમાં ફસાયેલા 14 ગુજરાતીઓ માટે ધોળકાના હસનભાઈ 'દેવદૂત' બન્યા
VIDEO: કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદકાળ ગુજરાત’. આ ઉક્તિને દુબઈમાં સ્થાયી થયેલા અને મૂળ ધોળકાના પીસાવાડા ગામના હસનભાઈ બારડ મુખીએ સાર્થક કરી બતાવી છે. દુબઈના પ્રવાસે ગયેલા અને આર્થિક મુસીબતમાં ફસાયેલા 14 ગુજરાતી પ્રવાસીઓને તેમણે પોતાની સૂઝબૂઝથી લાખોનો ખર્ચ બચાવી હેમખેમ વતન પરત મોકલ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગત 4 માર્ચના રોજ રાત્રે અમદાવાદના અનુસૂચિત જાતિના પ્રમુખ કમલેશભાઈ મારફતે પ્રકાશભાઈ પ્રજાપતિનો સંપર્ક હસનભાઈ સાથે થયો હતો. દુબઈની 'ગોલ્ડન સેન્ડ્સ 10' હોટેલમાં રોકાયેલા 14 પ્રવાસીઓ પાસે હોટેલનું બિલ ચૂકવવા કે જમવા માટેના નાણાં ખૂટી પડ્યા હતા. વિદેશની ધરતી પર અજાણ્યા લોકો વચ્ચે આ પરિવાર ભારે મુસીબતમાં મુકાયો હતો.

સેવાનો અવિરત યજ્ઞ
મેસેજ મળતાની સાથે જ હસનભાઈએ પ્રવાસીઓને હિંમત આપી હતી. બીજા દિવસે સચિનભાઈ જોશી અને અન્ય સેવાભાવી કાર્યકરો સાથે મળીને તેમણે રહેવા અને જૈન ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. પ્રવાસીઓને પરત લાવવા માટે ચાર્ટર ફ્લાઈટનો ખર્ચ 12થી 14 લાખ રૂપિયા જેવો જંગી થતો હતો, પરંતુ હસનભાઈએ હાર માની નહીં.
લાખોની બચત અને વતન વાપસી
પોતાની વ્યવહારું કુશળતા અને ટેક્નોલૉજીના ઉપયોગથી હસનભાઈએ સીધો 'એર અરેબિયા' એરલાઇન્સનો સંપર્ક સાધ્યો હતો. યોગ્ય રજૂઆત બાદ એરલાઇન્સે કોઈપણ વધારાના ચાર્જ વગર જૂની ટિકિટો પર જ રિ-બુકિંગ કરી આપ્યું હતું. 6 માર્ચના રોજ હસનભાઈએ જાતે હોટેલ જઈ તમામ પ્રવાસીઓને એરપોર્ટ વિદાય આપી હતી અને 7 માર્ચની વહેલી સવારે આ 14 સભ્યો સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.

મુસીબતમાં માર્ગદર્શનનું મહત્ત્વ
આ ઘટના બાદ હસનભાઈએ સંદેશ આપ્યો હતો કે દુબઈ એક સુરક્ષિત દેશ છે. જો કોઈ ભારતીય મુસીબતમાં મુકાય, તો ભારતીય એમ્બેસી અને અનેક NGO મદદ માટે તૈયાર હોય છે. આ કિસ્સો સાબિત કરે છે કે વતનનો સાદ અને સાચું માર્ગદર્શન જીવનદાન સમાન સાબિત થઈ શકે છે.

