13 વર્ષ જૂના કેસમાં જેલની ફોટોગ્રાફીનો મુદ્દો ફરી ચર્ચામાં!સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલી ફોટોગ્રાફીના પુરાવા કોર્ટમાં રજૂ કરવા આદેશ

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં વર્ષ 2013ના રાણીપ પોલીસ સ્ટેશનના ગુનાને લઈને મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. કેસની સુનાવણી દરમિયાન સાબરમતી સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી ફોટોગ્રાફીની સીડી કોર્ટમાં ખૂલી ન શકતાં હવે આ પુરાવા ફરીથી કોર્ટના રેકોર્ડ પર લાવવાનો માર્ગ મોકળો થયો છે.
સરકારી વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી કે સાક્ષી સુરસિંહ માધવસિંહની જુબાની દરમિયાન કોર્ટના રેકોર્ડ પર રહેલી ફોટોગ્રાફીની સીડી ઓપન થતી ન હતી.
આથી ફોટોગ્રાફી કરનાર સાક્ષીની તપાસ જરૂરી હોવાનું જણાવી, રાણીપ પોલીસ સ્ટેશનના ગુનાના તપાસ અધિકારીને સીડી અથવા પેનડ્રાઇવ તેમજ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65(B)(4) હેઠળનું સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી.
જોકે, આરોપીઓના વકીલો દ્વારા આ અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને અરજી રદ કરવાની માંગ કરાઈ હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ એ ન્યાયના વિશાળ હિતમાં અરજી મંજૂર કરી છે.
કોર્ટે રાણીપ પોલીસ સ્ટેશનના ગુના નંબર 24/2013ના ઇન્ચાર્જ પોલીસ અધિકારીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી ફોટોગ્રાફી સંબંધિત સીડી અથવા પેનડ્રાઇવ અને જરૂરી સર્ટિફિકેટ સાથે હાજર રહેવા સમન્સ કરવાનો હુકમ કર્યો છે.
4 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવેલા આ હુકમથી હવે જેલમાં થયેલી ફોટોગ્રાફીના ડિજિટલ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવાનો માર્ગ ખુલ્યો છે.














