40-50 વર્ષ બાદ નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી, બસ્તારમાં જવાનો સાથે PM મોદીની ઉજવણી

40-50 વર્ષ બાદ નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી, બસ્તારમાં જવાનો સાથે PM મોદીની ઉજવણી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તારમાં સુરક્ષાકર્મીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે વર્ષ 2026ની દિવાળી ભારત માટે ઐતિહાસિક છે, કારણ કે દેશે દાયકાઓ જૂની નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની લડાઈમાં સફળતા મેળવી છે. આ પહેલી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે અને કરોડો દેશવાસીઓ નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યા છે. સુરક્ષાકર્મીઓને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે એક સમયે બસ્તાર નક્સલવાદની સમસ્યાથી પીડિત હતો, પરંતુ હવે આ વિસ્તારમાં વિકાસની નવી લહેર શરૂ થઈ છે. તેમણે આ પરિવર્તનનો શ્રેય સુરક્ષાકર્મીઓના સાહસ, સમર્પણ અને બલિદાનને આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે, 'તમે બધા મારા પરિવારનો હિસ્સો છો. આ વખતે હું બસ્તારનાં જંગલોમાં તમારી સાથે દિવાળી મનાવવા આવ્યો છું. તમારા બલિદાન અને સમર્પણને કારણે આ વિસ્તારમાંથી નક્સલવાદનો અંત આવ્યો છે અને વિકાસની નવી શરૂઆત થઈ છે.' તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 40થી 50 વર્ષ બાદ દેશ આવી દિવાળી મનાવી રહ્યો છે. આ સફળતામાં લાખો બહાદુર જવાનો અને સુરક્ષાકર્મીઓનું યોગદાન છે. તેમની હિંમત અને સતત પ્રયાસોને કારણે દેશ નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યો છે.

2014થી જવાનો સાથે દિવાળી મનાવે છે PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014થી દર વર્ષે સુરક્ષાદળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા આવ્યા છે. આ પરંપરાની શરૂઆત તેમણે સિયાચીન બેઝ કેમ્પથી કરી હતી. ત્યારબાદ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ સરહદી વિસ્તારોમાં જવાનો સાથે તહેવાર મનાવ્યો છે. વર્ષ 2025માં તેમણે ગોવા-કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ કાર્યક્રમો દરમિયાન તેઓ સૈનિકો સાથે સમય વિતાવે છે, મીઠાઈ વહેંચે છે અને દેશની સુરક્ષામાં તેમના યોગદાનની પ્રશંસા કરે છે. પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કરતા જવાનોનું મનોબળ વધારવા માટે વડા પ્રધાન દર વર્ષે તેમની વચ્ચે પહોંચે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત