અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટો ટ્વિસ્ટ: 2027માં મુંબઈ સુધી નહીં દોડે ટ્રેન, રેલમંત્રીએ જાહેર કર્યો આ નવો પ્લાન!

ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા એટલે કે 'બુલેટ ટ્રેન'ને લઈને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમણે પ્રોજેક્ટની વર્તમાન પ્રગતિની વિગતો શેર કરતા જાહેરાત કરી છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ થઈ જશે, અને તેનો પ્રથમ સેક્શન ગુજરાતના સુરતથી વાપી વચ્ચે દોડાવવામાં આવશે. મુંબઈ સુધીનો સમગ્ર કોરિડોર તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે.
દરિયા નીચે બની રહી છે દેશની પ્રથમ 'અંડર-સી' રેલ ટનલ
દેશની પ્રથમ અંડર-સી રેલ ટનલના નિર્માણ અંગે જાણકારી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આ કોરિડોર 21 કિલોમીટર લાંબી સુરંગમાંથી પસાર થાય છે, જેમાંથી 7 કિલોમીટરનો હિસ્સો દરિયાની નીચે, થાણે ક્રીકની પાર જાય છે. આ કામ માટે જુલાઈ 2026માં વિક્રોલી અને સાવલી ખાતેથી બે ટનલ બોરિંગ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.
| બાંધકામનું ક્ષેત્ર | પૂર્ણ થયેલું કામ |
| પિલરનું કામ | 456 કિલોમીટર સુધી પિલરનું કામ પૂર્ણ. |
| વાયડક્ટ નિર્માણ | 371 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂરું થયું. |
| નોઈઝ બેરિયર | 299 કિલોમીટરના હિસ્સામાં 6 લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા. |
| OHE માસ્ટ | 206 કિલોમીટર વાયડક્ટ પર 9,300 OHE માસ્ટ લગાવવામાં આવ્યા. |
| સ્ટેશનો અને ડિપો | 8 સ્ટેશનોનું સિવિલ કામ પૂર્ણ, હાલ આર્કિટેક્ચરલ ફિનિશિંગ ચાલુ છે. સાબરમતી, સુરત અને થાણેના ત્રણેય રોલિંગ સ્ટોક ડિપો પર પણ કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. |
500 હાથી જેટલી વજનદાર અને 5 ક્રિકેટ પિચ જેટલી લાંબી મહાકાય મશીનો
- અંડર-સી ટનલ ખોદવા માટે ભારતમાં અત્યાર સુધી તૈનાત કરવામાં આવેલી સૌથી મોટી મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેની વિશેષતાઓ ચોંકાવનારી છે.
- ઊંચાઈ: આ મશીન 4 માળની ઈમારત જેટલી ઊંચી છે.
- વજન: દરેક મશીનનું વજન 3,000 ટનથી વધુ છે, જે લગભગ 500 એશિયન હાથીઓના વજન બરાબર છે.
- લંબાઈ: આ મશીન 96 મીટર લાંબી છે, એટલે કે એક પછી એક રાખવામાં આવેલી લગભગ પાંચ ક્રિકેટ પિચ જેટલી તેની લંબાઈ ગણી શકાય.
સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ: 280 થી 350 km/h ની રફ્તાર
- દેશની પ્રથમ બુલેટ ટ્રેનોના નિર્માણ અંગે રેલમંત્રીએ જણાવ્યું કે ICF અને BEML દ્વારા સ્વદેશી B28 ટ્રેનસેટ બનાવવામાં આવી રહ્યા છે, જેને 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
- આ ટ્રેનનું પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગયું છે અને હાલ તેનું સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
- વર્ષ 2027ના મધ્ય સુધીમાં તેના ટ્રેક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.
- આ પછીનું આગામી પગલું 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઈન કરાયેલી વધુ ઝડપી B35 ટ્રેન બનાવવાનું રહેશે.












