અમદાવાદ શહેરમાં ‘દીકરો-દીકરી એકસમાન’ની રૂપકડી વાતો વચ્ચે છેલ્લા ૩ વર્ષમાં દીકરીઓના જન્મદરમાં ઘટાડો નોંધાયો

આજે વિશ્વભરમાં માતૃ દિવસની ઉજવણી કરાશે. માતાનું સન્માન કરવા મોટા કાર્યક્રમો યોજાશે. પરંતુ માતાનું સન્માન કરનાર આ આધુનિક સમાજનું બીજું રૂપ અચરજ પમાડે તેવું છે. ‘દીકરો-દીકરી સમાન છે’, તેવી રૂપકડી વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં આજે પણ દર એક હજાર દીકરા સામે માત્ર 886 દીકરીનો જન્મ થાય છે. દીકરીનો જન્મ દર માત્ર ઓછો જ નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જ જન્મદરમાં 10 દીકરીનો ઘટાડો પણ થયો છે.
ત્રણ વર્ષમાં જન્મદરમાં 10 બાળકીનો ઘટાડો
સમાજ બેટી બચાવોથી આગળ વધીને મહિલા સશક્તિકરણની ચર્ચાઓ સુધી પહોંચી ગયો છે. મોટા ભાગના પરિવારો પાસેથી પણ 'અમારા માટે દીકરો અને દીકરી બંને એકસરખાં છે', તેવી વાતો સાંભળવા મળે છે. સિંગલ ચાઈલ્ડમાં પણ દીકરીના જન્મને પરિવાર હરખભેર વધાવી લે છે.
સરકારી યોજનાઓમાં દીકરીને પ્રાધાન્ય અપાય છે, જેથી અમુક પ્રકારની સંકુચિત માનસિકતાનો અંત આવી શકે. પરંતુ વાસ્તવિકતામાં કાગળ પર કંઈક બીજું જ ચિત્ર જોવા મળે છે. આમ તો અમદાવાદ શહેર 50 વર્ષમાં ઘણું આગળ વધી ગયું છે. પરંતુ પુત્ર અને પુત્રીના જન્મ દર મામલે આજે પણ આ ગતિશીલ શહેર ત્યાં ને ત્યાં જ ઉભું છે!
અમદાવાદ શહેરમાં ગત વર્ષે દર એક હજાર પુત્ર સામે માત્ર 886 દીકરીઓનો જન્મ થયો હતો. તેનાથી પણ વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, વર્ષ 2022માં આ દર 898 હતો. જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 દીકરીઓનો ઘટાડો થયો છે. ગામડાઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં પણ દીકરીનો જન્મ દર અમદાવાદ શહેર કરતા વધારે રહે છે.

