Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : More than 2000 'mothers' in an old age home in Ahmedabad!

અમદાવાદના વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'! ઘરડાઘરમાં પણ ‘વેઈટિંગ લિસ્ટ’ અને ‘એડવાન્સ બુકિંગ’ની વરવી વાસ્તવિકતા

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'! ઘરડાઘરમાં પણ ‘વેઈટિંગ લિસ્ટ’ અને ‘એડવાન્સ બુકિંગ’ની વરવી વાસ્તવિકતા
સોર્સ : GSTV

મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સોશિયલ મીડિયા પર મા પ્રત્યે પ્રેમ દર્શાવતા ફોટો અને હૃદયસ્પર્શી લખાણ સાથેની પોસ્ટનું ઘોડાપૂર આવશે. પરંતુ આ ડિજિટલ ઘરડાઘર ધમધમી રહ્યાં છે. જેમાં બે હજારથી વધુ માતારૂપી મહિલાઓ આશરો લઈ રહી છે.

App Store

અમદાવાદમાં 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે

મેગાસિટી અમદાવાદમાં 50થી 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે. જે 3500થી  3700 વડીલોનું કાયમી સરનામું બની ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વડીલોમાં 55થી 60 ટકા મહિલાઓ છે. વડીલોને ઘરડાઘરમાં મૂકવા આવતી વખતે સંતાનો પાસે કારણોની યાદી તૈયાર હોય છે. ક્યારેક ગૃહકલેશ તો ક્યારેક સાથે ન રહેવાની હઠ જવાબદાર છે. શિક્ષિત દીકરા-વહુ માટે માતા-પિતાની સલાહ દખલગીરી લાગે છે, તો ક્યારેક આર્થિક સંકડામણનું બહાનું આગળ ધરી દેવાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેટલાક એવા કિસ્સા પણ બને છે જ્યાં માતા-પિતા પોતાની મિલકત સંતાનોના નામે કરી દે છે અને બાદમાં તે જ માતા-પિતા બોજ લાગતા હોવાથી સંતાનો તેમને વૃદ્ધાશ્રમના આંગણે છોડી દે છે.

અમદાવાદમાં પોણા સૈકાથી ચાલતા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા સુકેતુભાઈ અને તેમના સહકર્મીઓએ આવા આશરે 1000 જેટલા વડીલો માટે કાયદાકીય લડત લડી તેઓને પોતાનું ઘર પરત અપાવ્યું હતું. એટલું જ નહીં પોતાની દુનિયામાં મશગૂલ બનેલા સંતાનો માતા-પિતાની અંતિમક્રિયા કરવાની જવાબદારીને પણ આશ્રમ સંચાલકો પર છોડી દે છે.

વૃદ્ધાશ્રમમાં વધતી સંખ્યાનું વરવું પાસું

અમદાવાદમાં એક મોટો વર્ગ એવી મથામણમાં જીવે છે, જ્યાં 20-30 હજારની મર્યાદિત આવકમાં બે બાળકોના ભણવાના ખર્ચ, મોંઘા ઘરભાડા તેમજ પાંચ-છ લોકોના ઘરખર્ચને પહોંચી વળવું અશક્ય બની જાય છે. પરિણામે લાચારી અને આર્થિક સંકડામણથી ગૃહકલેશ વધતાં ક્યારેક માતા-પિતા સામેથી વૃદ્ધાશ્રમના આંગણે પહોંચે છે, તો ક્યારેક સંતાનો વડીલોને ત્યાં મૂકી આવે છે.

મુંબઈથી ફરવાના બહાને વડીલોને વડોદરા લાવી હોટલમાં તરછોડી દીધાં

મુંબઈના એક યુવકે તો હિન્દી ફિલ્મની પટકથાને પણ ટક્કર મારે તેવું કૃત્ય આચર્યું હતું. ફરવાના બહાને વડોદરા આવ્યા બાદ માતા-પિતાને હોટલ રૂમમાં છોડી દીકરો મુંબઈ પરત ફરી ગયો હતો. ભાંગી પડેલાં માતા-પિતા અમદાવાદના જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં પહોંચ્યાં હતાં. દીકરો ચાર વર્ષ પછી તેમને લેવા આવ્યો હતો. પોતાની ભૂલ થઈ હોવાની વાતોમાં ફસાવી માતા-પિતાને પરત મુંબઈ લઈ ગયો હતો. અને ત્યાં જઈ બધી મિલકત પોતાના નામે કરાવી ફરી માતા-પિતા સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો.

સંતાનમાં માત્ર દીકરી હોય તેવા વડીલોની વૃદ્ધાશ્રમમાં વધી રહેલી સંખ્યા

લગ્ન બાદ પણ દીકરી પોતાના માતા-પિતાની જવાબદારી ઉપાડવા તૈયાર છે. પરંતુ પતિ અને સાસરિયા વહુના વાલીની જવાબદારી સ્વીકારતા નથી. અને કેટલાક કિસ્સામાં દીકરી પણ આર્થિક સ્વતંત્ર નથી. ઘરડા માતા-પિતા એકલાં રહી શકે તેમ પણ ન હોવાથી દીકરીને આખરે પોતાના માતા-પિતાને અજાણ્યા લોકો વચ્ચે પોતાનો આખરનો સમય વિતાવવા મોકલવા પડે છે.

પૌત્ર-પૌત્રી મોટા થઈ તેઓની દુનિયામાં વ્યસ્ત બનતા વડીલો વૃદ્ધાશ્રમમાં આવે છે!

ગુજરાતી કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વહાલું હોય છે. વડીલો દાદા-દાદી બને એટલે પૌત્ર-પૌત્રી જ તેમની દુનિયા બની જાય છે. પરંતુ સમયના વહેણ સાથે પૌત્ર-પૌત્રી મોટા થઈ તેઓની દુનિયામાં વ્યસ્ત બને છે. તે સમયે વડીલોને પોતાની ઉપેક્ષા થતી હોવાનો અહેસાસ થાય છે. જેથી વડીલો માનસિક એકલતા અને ડિપ્રેશનનો શિકાર બને છે. આ ભાવાત્મક ખાલીપો ઘરમાં વિખવાદનું સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે વડીલો ભારે હૈયે ઘર છોડી વૃદ્ધાશ્રમનો આશરો લે છે.

ઘરડાઘરમાં પણ ‘વેઈટિંગ લિસ્ટ’ અને ‘એડવાન્સ બુકિંગ’

વેઈટિંગ લિસ્ટ અને એડવાન્સ બુકિંગ જેવા શબ્દો અત્યાર સુધી બસ-રેલવે કે સિનેમાની ટિકિટ માટે વપરાતા હતાં. પરંતુ હવે અમદાવાદના કેટલાય વૃદ્ધાશ્રમમાં પણ રીતસરનું છથી આઠ મહિનાનું વેઈટિંગ છે! ફોન પર ઈન્કવાયરી સમયે વેઈટિંગની જાણ થાય તો એડવાન્સ બુકિંગનો નવો કિમિયો પણ શરૂ કરાયો છે.