VIDEO: પાકિસ્તાનને હરાવ્યા બાદ Team Indiaનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, આ તારીખે નેધરલેન્ડ્સ સામે રમશે આગામી મેચ

T20 WC 2026: ICC T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે બુધવારે (18 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ત્યારે આ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું ફેન્સે ભવ્ય સ્વાગત કર્યું છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટથી સીધા વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ પહોંચી છે.
ICC T20 વર્લ્ડ કપ 2026માં ત્રીજી જીત હાંસલ કરી
ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી જીત હાંસલ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી પોતાની ત્રણ મેચોમાં યુએસ, નામીબિયા અને પાકિસ્તાનને માત આપી છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને હરાવતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ગ્રુપ Aથી સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aની પોતાની છેલ્લી મેચ નેધરલેન્ડ્સ વિરૂદ્ધ અમદાવાદમાં રમવાની છે. આ મેચનું પરિણામ ટીમ ઈન્ડિયાના સુપર 8ની મેચો પર કોઈપણ રીતે અસર નહીં કરે. જોકે, નેધરલેન્ડ્સ સાથે ટીમ ઈન્ડિયાને ટક્કર મળવાની શક્યતાઓ છે. નેધરલેન્ડ્સે પાકિસ્તાનને ટક્કર આપી હતી પરંતુ છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ હાઈ-વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર, મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારા આ મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમ ખીચોખીચ ભરેલો રહેવાની આશા છે.
આગામી મેચની પ્લેઈંગ ઇવેલનમાં થશે મોટો ફેરફાર!
આ ટૂર્નામેન્ટની 36મી મેચ હશે અને ગ્રુપ-એની છેલ્લી મેચ હશે. પાકિસ્તાન વિરૂદ્ધ મળેલી મોટી જીત બાદ ભારતીય ટીમનો ઉત્સાહ આસમાને છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચનો ઉપયોગ પોતાની બેંચ સ્ટ્રેન્થને અજમાવવા અથવા ખેલાડીઓને લયમાં રાખવા માટે કરી શકે છે. કેટલાક ખેલાડીઓ એવા છે, જેને હજુ સુધી પ્લેઈંગ ઇલેવનમાં મોકો નથી મળ્યો.
ટીમ ઈન્ડિયાને X ગ્રુપમાં રખાયું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા અને વેસ્ટઈન્ડીઝની ટીમ પણ સામેલ છે. આ ગ્રુપને ગ્રુપ ઓફ ડેથ પણ કહેવામાં આવે છે. આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયાને X1, ઓસ્ટ્રેલિયાને X2, વેસ્ટઈન્ડીઝને X3 અને સાઉથ આફ્રિકાને X4 નામ અપાયું છે. પોઈન્ટ ટેબલના અનુસાર, સુપર 8ની પહેલી મેચ ટીમ ઈન્ડિયા X4 એટલે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમી શકે છે. આ મેચ 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
હેડ ટૂ હેડમાં કોણ આગળ?
ભારત અને નેધરલેન્ડ્સ્સ વચ્ચે ભલે એક જ T20 મેચ રમાવાની હોય, પરંતુ આ ટીમ વનડે વર્લ્ડ કપમાં કુલ ત્રણ વાર ટકરાઈ ચૂકી છે અને ત્રણેય વખત ભારતીય ટીમને જીત મળવી છે. જણાવી દઈએ કે, ભારત-નેધરલેન્ડ્સ્સ વચ્ચે પહેલી મેચ 12 ફેબ્રુઆરી 2003ના રોજ સાઉથ આફ્રિકાના પાર્લમાં રમાઈ હતી, જેમાં ભારતે 68 રનથી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ 2011માં આ બંને ટીમો આમને સામને હતી જેમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. છેલ્લે 2023માં ભારતે નેધરલેન્ડ્સને 160 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.

