T20 વર્લ્ડ કપ 2026માં થઈ સ્ટીવ સ્મિથની એન્ટ્રી, ઈજાગ્રસ્ત બોલરની જગ્યાએ બન્યો સ્કવોડનો ભાગ

T20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયન ટીમ મુખ્ય ખેલાડીઓની ઈજાઓથી સંઘર્ષ કરી રહી છે. પેટ કમિન્સના બહાર થવા સાથે જોશ હેઝલવુડ પણ સ્કવોડનો ભાગ હોવા પછી અનફિટ હોવાના કારણે બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે, જેમાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને સામેલ કરવામાં આવ્યો છે. ICC ટેકનિકલ કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સ્ટીવ સ્મિથ શ્રીલંકા સામે રમી શકે છે
ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ ટીમ 2026માં તેના ઘણા ખેલાડીઓની ફિટનેસને કારણે બેકઅપ તરીકે સ્ટીવ સ્મિથને બોલાવવાનું નક્કી કર્યું હતું અને તે હવે શ્રીલંકામાં ટીમમાં સાથે જોડાઈ ચૂક્યો છે. સ્મિથને ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો, જે ઈજાને કારણે પ્રથમ બે મેચ ચૂકી ગયો હતો. તેણે 15 ફેબ્રુઆરીએ ટીમ સાથે ટ્રેનિંગ લીધી હતી. આવી સ્થિતિમાં સ્કવોડનો ભાગ બન્યા બાદ જરૂર પડે તો સ્મિથ 16 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની મેચમાં રમી શકે છે. સ્મિથે છેલ્લે ફેબ્રુઆરી 2024માં T20I મેચ રમી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલી બિગ બેશ લીગ 2025-26 સિઝનમાં તે સિડની સિક્સર્સ માટે ઉત્તમ ફોર્મમાં હતો. સ્મિથે તે ટુર્નામેન્ટમાં 59.80ની એવરેજથી કુલ 299 રન બનાવ્યા હતા. તેના T20I રેકોર્ડ વિશે વાત કરીએ, તો તેણે આ ફોર્મેટમાં 67 મેચોમાં 24.86ની એવરેજ અને 125.45ના સ્ટ્રાઈક રેટથી 1094 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજથી બહાર થવાની સંભાવનાનો સામનો કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ Bનો ભાગ છે, જેણે અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં એક જીતી છે અને બીજી હારી છે. આવી સ્થિતિએમાં કાંગારું ટીમ પર ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનો ખતરો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી, જેમાં 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેની નેટ રન રેટ પર મોટી અસર થઈ હતી, જે હાલમાં ફક્ત +1,100 છે. જો ઓસ્ટ્રેલિયા તેની બાકીની બે મેચમાંથી એક પણ હારી જાય છે, તો સુપર 8માં જવાનો તેનો માર્ગ લગભગ બંધ થઈ જશે.

