Video: GSPL ગેસ પાઈપલાઈનના વિરોધમાં ખેડૂતો, પોલીસ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી; પથ્થરમારો અને ખેડૂત આગેવાનની અટકાયત!

ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPL (ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ) ની ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. યોગ્ય વળતર અને ખેડૂતોની મંજૂરી વગર પોલીસ પ્રોટેક્શન હેઠળ બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ, ગેસ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઝપાઝપી તેમજ પથ્થરમારાની ઘટના બનતા સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
મહિલાઓએ જાતે પાવડા લઈને પાઈપલાઈનના ખાડા પૂર્યા
ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ ખેતરમાં જ ધરણા પર બેસીને આંદોલન છેડ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રોશિત ખેડૂતો અને મહિલાઓએ જાતે જ પાવડા લઈને ગેસ પાઈપલાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓ પૂરી દઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઝપાઝપી, પથ્થરમારો અને ખેડૂત આગેવાનની અટકાયત
પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ખેડૂતો, GSPL ના અધિકારીઓ અને પોલીસ કાફલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ ઘર્ષણ દરમિયાન ટોળા દ્વારા પોલીસ અને વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. મામલો બિચકતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની અટકાયત કરી હતી. બીજી તરફ, આ ઝપાઝપી અને તણાવભર્યા માહોલ વચ્ચે એક મહિલા ખેડૂતની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખેડૂતોના ગંભીર આક્ષેપ અને આંદોલન યથાવત
સરગવાળાના ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર અને કંપની દ્વારા જમીનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને ખેડૂતોની પરવાનગી લીધા વગર જ પોલીસ બળનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. હાલમાં સરગવાળા ગામે ખેડૂતોનું આંદોલન યથાવત છે અને સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.














