ધોળકાના અરણેજમાં મતદાર યાદીને લઈને મોટો વિવાદ, એક જ પરિવારનાં સભ્યોનાં નામ અલગ-અલગ વોર્ડમાં! ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ધોળકાના અરણેજમાં મતદાર યાદીને લઈને મોટો વિવાદ, એક જ પરિવારનાં સભ્યોનાં નામ અલગ-અલગ વોર્ડમાં! ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આગામી ડિસેમ્બર 2026માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીને લઈને વિવાદ ઊભો થયો છે. ગામની વોર્ડવાર મતદાર યાદીમાં ગંભીર ભૂલો અને ગેરરીતિ થઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે ગ્રામજનોએ ચૂંટણી પંચ, અમદાવાદ કલેક્ટર, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને ધોળકાના મામલતદારને લેખિત રજૂઆત કરીને મતદાર યાદી સુધારવાની માગ કરી છે.

વોર્ડ રચના અને સીમાંકનની અવગણના

ગ્રામજનોના આક્ષેપ મુજબ, વર્ષ 2015માં કરવામાં આવેલી વોર્ડ રચના અને સીમાંકનને ધ્યાનમાં રાખીને હાલની મતદાર યાદી તૈયાર કરવામાં આવી નથી. પરિણામે એક જ પરિવારના પતિ, પત્ની અને બાળકોનાં નામ અલગ-અલગ વોર્ડમાં મૂકવામાં આવ્યાં છે. એટલું જ નહીં, એક જ લાઇનમાં આવેલા ચાર ઘરના સભ્યોનાં નામ પણ જુદા-જુદા વોર્ડમાં દર્શાવવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જાહેરાત

આ ઉપરાંત જે વિસ્તાર જે વોર્ડમાં આવતો હોય ત્યાંના કેટલાક ઘરના સભ્યોનાં નામ તે વોર્ડની યાદીમાં જ ન હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન જે વોર્ડમાં મતદારોનાં નામ હતાં, તેનાં બદલે હવે અન્ય વોર્ડમાં નામ મૂકી દેવામાં આવ્યાં હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ

આ મામલે ગ્રામજનોએ રૂબરૂમાં પણ પોતાનો વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો. ગામના આગેવાન સંજય સિંહ વાળાએ જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સૂચનોનું પાલન કરવામાં આવ્યું નથી અને ખોટી વોર્ડવાર મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. વધુમાં, મતદાર યાદીની નકલ પણ ગામમાં પ્રાથમિક તબક્કે પ્રસિદ્ધ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

ભૂલો નહીં સુધરે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

ગ્રામજનોએ માગ કરી છે કે વર્ષ 2015ની વોર્ડ રચના અને સીમાંકન મુજબ સમગ્ર મતદાર યાદીની ફરીથી ચકાસણી કરીને જરૂરી સુધારા કરવામાં આવે અને યોગ્ય યાદી તૈયાર કરવામાં આવે. જો મતદાર યાદીની ભૂલો સુધારવામાં નહીં આવે તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો સમગ્ર ગામ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત