ગુજરાતની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં સ્ટાફની મોટી અછત! 1,487 ડોક્ટરો કાર્યરત, 380 જગ્યાઓ ખાલી

ગુજરાતની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં મેડિકલ સ્ટાફની અછતને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે કોંગ્રેસે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં સરકારી આરોગ્ય કેન્દ્રો કાર્યરત હોવા છતાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય મેડિકલ કર્મચારીઓની અછત દર્દીઓની સારવાર સામે મોટો પડકાર બની રહી છે.
રિપોર્ટ મુજબ ગુજરાતમાં 9,205 સબ-સેન્ટર, 1,492 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને 353 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) કાર્યરત છે. ગ્રામ્ય PHCમાં મેડિકલ ઓફિસરોની 1,867 જગ્યાઓ મંજૂર છે, પરંતુ હાલ 1,487 ડોક્ટરો જ કાર્યરત છે. એટલે કે 380 જગ્યાઓ ખાલી છે.
શહેરી PHCમાં પણ ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. 728 મેડિકલ ઓફિસરોની જરૂરિયાત સામે માત્ર 428 ડોક્ટરો કાર્યરત છે, જ્યારે 300 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત આયુષ ડોક્ટરો, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, નર્સિંગ સ્ટાફ અને હેલ્થ વર્કર્સની અછત પણ સામે આવી છે.
રિપોર્ટમાં નર્સિંગ સ્ટાફની 2,203 જગ્યાઓની ઘટ, હેલ્થ વર્કર્સની 426 જગ્યાઓની અછત અને ફાર્માસિસ્ટની ખાલી જગ્યાઓ અંગે પણ વિગતો સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ અને ગંભીર દર્દીઓની સારવાર સામે નિષ્ણાત તબીબોની અછત પડકારરૂપ બની રહી છે.
કોંગ્રેસે રાજ્યની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ખાલી પડેલી તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી છે. ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ ઉઠાવી છે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ હોવા છતાં માનવ સંસાધનોની અછત દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે સામે સવાલો ઊભા કરી રહી છે.













