Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Robbery rickshaw gang targeting passengers reactivated in Ahmedabad

'રિક્ષા બંધ પડી ગઈ છે, ભાડું નથી જોઈતું' કહી મુસાફરને ઉતાર્યો, ખિસ્સું જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ!

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
'રિક્ષા બંધ પડી ગઈ છે, ભાડું નથી જોઈતું' કહી મુસાફરને ઉતાર્યો, ખિસ્સું જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ!
સોર્સ : gstv

અમદાવાદના ગીતા મંદિર અને કાલુપુર તરફથી આવતા મુસાફરોને ટાર્ગેટ કરતી લૂંટારું રીક્ષા ગેંગ ફરી સક્રિય થતાં નારોલ અને ઇસનપુર પોલીસ મથકમાં કુલ 66,200 રૂપિયાની ચોરીના ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. પેસેન્જરના સ્વાંગમાં અગાઉથી ગોઠવાયેલા સાગરીતો ભોગ બનનારને આગળ ડ્રાઇવરની સીટ પર બેસાડી, વાતોમાં પરોવી કે ધક્કામુક્કી કરી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લે છે. નારોલ પોલીસે બે અને ઇસનપુર પોલીસે એક ગુનો નોંધી રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

App Store

વતન જતા શ્રમિકના પગારના રૂ.30,000 સેરવી લીધા

મૂળ યુપીના અને નારોલ પદમાવતીનગરમાં રહેતા 34 વર્ષીય અનુપ પ્રજાપતિ ગત 11મી ઓગસ્ટે રાત્રે 10:30 વાગ્યે વતન જવા શેઠ પાસેથી ઉપાડેલા પગારના 30,000 રૂપિયા ખિસ્સામાં મૂકી નારોલ સર્કલથી ભમ્મરિયા કૂવા જવા રીક્ષામાં બેઠા હતા. પાછળ બે ગઠિયા બેઠા હોવાથી ડ્રાઇવરે અનુપને આગળ બેસાડ્યો હતો. ગોકુલેશ પેટ્રોલ પંપ પાસે ‘ભમ્મરિયા નહીં જવાય’ કહી ઉતારી દીધા બાદ ખિસ્સું તપાસતાં રોકડ ગાયબ હોવાનું જણાતા નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

​રીક્ષા ચાલુ કરવા હેન્ડ પંપ મરાવી ખિસ્સામાંથી રૂ. 20,000 તફડાવ્યા

મૂળ બિહારના અને વટવા રહેતા 35 વર્ષીય ધીરજકુમાર આઠમી સપ્ટેમ્બરે પગારના 20,000 રૂપિયા ખિસ્સામાં મૂકી નારોલ સર્કલથી વટવા જવા રીક્ષામાં બેઠા હતા. ચાલકે તેને આગળ બેસાડી ‘સરખા બેસો’ કહી વાતોમાં રાખ્યા હતા. પેટ્રોલ પંપ પાસે રીક્ષા બંધ પડતાં ચાલકે ધીરજ પાસે 7-8 વાર હેન્ડ પંપ મરાવ્યો હતો. રીક્ષા શરૂ થતાં જ ચાલકે તેને ઉતારી રીક્ષા હંકારી મૂકી હતી. બાદમાં ખિસ્સામાંથી 20,000 રૂપિયા ચોરાયાની જાણ થતાં નારોલ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

​GEBના કેશિયરને અધવચ્ચે ઉતારી 16,200 રૂપિયા સેરવી લીધા

સુરેન્દ્રનગરના લીંબડી GEBમાં કેશિયર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય વાસુ પરમાર 15મી ઓગસ્ટે બપોરે 12:30 વાગ્યે નારોલ સર્કલથી અમરાઈવાડી જવા રીક્ષામાં આગળ બેઠા હતા. થોડે દૂર જઈ ‘રીક્ષા બંધ પડી ગઈ છે, ભાડું પણ નથી જોઈતું’ કહી ચાલકે તેમને ઉતારી દીધા હતા. વાસુભાઈએ તપાસતાં ખિસ્સામાંથી 16,200 રૂપિયા ગાયબ મળ્યા હતા, જેથી તેમણે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મોડી રાત્રે અને વહેલી સવારે એકલ-દોકલ મુસાફરો સોફ્ટ ટાર્ગેટ

આ ટોળકી મોડી રાત્રે કે વહેલી સવારે ગીતામંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને નારોલથી નરોડા પાટિયા રૂટ પર રેકી કરે છે. રીક્ષામાં પાછળ બે સાગરીતો પહેલેથી જ બેઠા હોય છે, જેથી નવા પેસેન્જરને આગળ બેસાડવામાં આવે છે. મુસાફરનું ધ્યાન ભટકાવવા સીટ પર ધક્કામુક્કી કરવી, ‘સરખું બેસો’ તેમ કહી ટોકવું અથવા ગાડી બંધ પડી હોવાનું નાટક કરી હેન્ડ પંપ મરાવવો જેવી તરકીબો અજમાવી આંખના પલકારામાં રોકડ કે કિંમતી સામાન ચોરી લેવામાં આવે છે.