અમદાવાદમાં કેબ-ટેક્સીથી ઍરપોર્ટ જતાં પહેલાં ધ્યાન રાખજો; પિક-અપ-ડ્રોપના નિયમો બદલાયા, મુસાફરોના ખિસ્સા પર બોજ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ પર હવે ઓલા, ઉબેર, રેપિડો કે અન્ય કોમર્શિયલ ટેક્સીથી મુસાફરી કરવી મોંઘી બનશે. ગુરુવાર(1 ઓક્ટોબર)થી એરપોર્ટ ઓથોરિટી દ્વારા યલો-પ્લેટ ધરાવતા વાહનો માટે નવો નિયમ લાગુ કરાયો છે, જેમાં ડ્રોપ-ઓફ માટે 50 અને પિક-અપ માટે 200નો ચાર્જ ચૂકવવો પડશે. મહત્ત્વનું છે કે, હાલમાં આ નવો ટેક્સ કેબ કંપનીઓના એપ-ભાડામાં ઉમેરાયેલો ના હોવાથી, ડ્રાઇવરો આ વધારાની રકમ સીધી મુસાફરો પાસેથી જ વસૂલશે. પરિણામે એરપોર્ટ જવાનો કુલ ખર્ચ સીધો જ મુસાફરોના ખિસ્સા પર પડશે.
અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ અને ડ્રોપ-ઓફનો નિયમ બદલાયો
આ નવા ચાર્જિસ લાગુ કરવાની સાથે જ એરપોર્ટ તંત્ર કોમર્શિયલ ટેક્સીઓના પાર્કિંગના સ્થળમાં પણ મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી આ ટેક્સીઓને ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 (T2)ની નજીક પાર્ક કરવા દેવામાં આવતી હતી. જોકે, હવે તમામ ટેક્સી ઓપરેટરોએ ફરજિયાતપણે એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારનો જ ઉપયોગ કરવો પડશે.
પાર્કિંગના નવા રેટ
પાર્કિંગના નવા રેટ મુજબ, ટર્મિનલ 1(T1) ખાતે આવતી ખાનગી કારને પહેલી 8 મિનિટ માટે ફ્રી પિક-અપની સુવિધા મળશે, પરંતુ ત્યારબાદ 8થી 30 મિનિટ માટે 150 અને 30થી 60 મિનિટ માટે 200નો ચાર્જ લાગશે. બીજી તરફ, કોમર્શિયલ કાર માટે T1 પર પ્રથમ 8 મિનિટનો ચાર્જ 150થી વધારીને 200 કરી દેવાયો છે, જ્યારે 30થી 60 મિનિટ રોકાવા પર 300 ચૂકવવા પડશે. ટર્મિનલ 2 (T2)ની વાત કરીએ તો, ત્યાં પણ કેબ માટે 200 પિક-અપ અને 50 ડ્રોપ-ઓફ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, અને જો વાહન નિયત સમય કરતા વધુ રોકાશે તો સમયના આધારે આ ચાર્જમાં હજુ પણ વધારો થશે.
એરપોર્ટના PROએ જણાવ્યા મુજબ, કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ પ્રવેશ શુલ્ક ભારતના મોટા એરપોર્ટ્સ પર એક સ્થાપિત અને સ્વીકૃત વ્યવસ્થા છે. દેશભરના એરપોર્ટ ઓપરેટર્સ લેન્ડસાઇડ સુવિધાઓના વિકાસ, જાળવણી અને સુરક્ષા માટે સતત રોકાણ કરે છે. તેમજ વધતા ટ્રાફિકનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરે છે. એરપોર્ટ ઓપરેટર સુરક્ષા વ્યવસ્થા, વીજ પુરવઠો, માળખાકીય જાળવણી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જરૂરી કર્મચારીઓ તથા સુવિધાઓ પર ખર્ચ કરે છે. આ ઉપરાંત, મુસાફરોને મૂકવા અથવા લેવા આવતા ડ્રાઇવરો અને મુલાકાતીઓ માટે સ્વચ્છતા સહિતની આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ જ સંદર્ભમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ પ્રવેશ શુલ્ક લાગુ કરવામાં આવ્યો છે.
સુધારાયેલા દર દેશના અન્ય અનેક એરપોર્ટ્સમાં અમલમાં રહેલી વ્યવસ્થાઓ સાથે સુસંગત છે અને લેન્ડસાઇડ સુવિધાઓના સંચાલન, જાળવણી તથા મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અનુભવ પ્રદાન કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ડ્રાઇવરો માટે સુવિધાઓ
પ્યુરીફાયર પીવાનું પાણી
રેસ્ટિંગ ઝોન
વોશરૂમ
કેન્ટીન
24/7 સિક્યુરિટી અને CCTV સર્વેલન્સ

