અમદાવાદમાં પાર્કિંગના નવા દર લાગુ કરવાની તૈયારી; AMCના નિર્ણયથી વાહનચાલકો પર વધશે આર્થિક બોજ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સંચાલિત પે એન્ડ પાર્ક અને રોડ પરના ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે હવે વાહનચાલકોએ વધુ નાણાં ચૂકવવા પડશે. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર ઉપરાંત મધ્યમ અને ભારે વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી છે. અગાઉ ટુ-વ્હીલરના પ્રથમ કલાક માટે 5 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે વધીને 10 રૂપિયા થશે. ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ પણ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે. નવા દરો ડિસેમ્બરમાં લાગુ થવાની શક્યતા છે.
પાર્કિંગના નવા દરને ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી
હવે ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી બાદ આ દરખાસ્ત આગામી તબક્કે સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ રજૂ થશે. ત્યાં મંજૂરી મળ્યા બાદ નવા દર ડિસેમ્બરમાં લાગુ થવાની શક્યતા છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાર્કિંગ ચાર્જ વધારવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. કમિશનર દ્વારા સૂચવાયેલા દરોમાં કેટલાક ફેરફાર કરીને કમિટીએ નવા દરોને મંજૂરી આપી છે. આ દર ઓન-રોડ અને ઓફ-રોડ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કોર્પોરેશન સંચાલિત પાર્કિંગ સ્થળોએ લાગુ કરવાની દરખાસ્ત છે.
ટુ-વ્હીલરના દરમાં આ પ્રમાણે ફેરફાર
ટુ-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે. જો કે, કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરમાં ઘટાડો કરીને કમિટીએ મંજૂરી આપી છે. એકથી ત્રણ કલાક માટે 20ને બદલે 15 રૂપિયા, ત્રણથી છ કલાક માટે 35ને બદલે 25 રૂપિયા, છથી 12 કલાક માટે 50ને બદલે 40 રૂપિયા અને 12થી 24 કલાક માટે 70ને બદલે 55 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
ફોર-વ્હીલર માટે પ્રથમ કલાકના 20 રૂપિયા
ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરાયો છે. એકથી બે કલાક માટે 40 રૂપિયા, ત્રણથી છ કલાક માટે 80 રૂપિયા, છથી 12 કલાક માટે 120 રૂપિયા અને 12થી 24 કલાક માટે 170 રૂપિયા ચૂકવવાના રહેશે.















