Video: વૌઠાના મેળામાં ત્રીજા દિવસે રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ! ડ્રોન કેમેરામાં કેદ થયા મેળાના અદભુત અને ભવ્ય દ્રશ્યો!

ગુજરાતનો સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક વૌઠાનો લોકમેળો ગત 20 નવેમ્બરથી શરૂ થઈ ગયો છે, જે પાંચ દિવસ એટલે કે દેવ દિવાળી સુધી ચાલવાનો છે. મેળાના ત્રીજા દિવસની રાત્રે મેળો માણવા માટે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં મેળાની ભવ્યતા અને જનમેદનીનો અદભુત નજારો જોવા મળ્યો હતો.
સપ્ત સંગમ સ્થાને પવિત્ર સ્નાનનું મહત્વ
અકલેશ્વર મહાદેવના પટાંગણમાં અને પવિત્ર સપ્ત સંગમ નદીના કિનારે આ લોકમેળો ભરાય છે. અહીં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવી રહ્યા છે. પરંપરા મુજબ, સપ્ત સંગમ સ્થાને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવે છે અને ભવનું ભાથું બાંધે છે.
મનોરંજક રાઈડ્સ બની આકર્ષણનું કેન્દ્ર
મેળામાં આવતા સહેલાણીઓ અને બાળકો માટે મનોરંજનની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને મોટા ચકડોળ, જલપરી, હોડકા અને બ્રેક ડાન્સ જેવી રાઈડ્સ લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. લોકો પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મેળાની મોજ માણી રહ્યા છે.
વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
મેળો માણવા આવતા લાખો મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, મેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.











