વૌઠાના લોકમેળાનો 20 નવેમ્બરથી પ્રારંભ, લાખોની જનમેદની ઉમટવાની શક્યતા

ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાત નદીઓના સંગમ સ્થાન સપ્ત સંગમ તીર્થ અને ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં આગામી 20 નવેમ્બરથી મેળાનો ભવ્ય પ્રારંભ થશે. મેળાને લઈને વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે."
લાખોની જનમેદની ઉમટવાની શક્યતા
વૌઠાના મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં જનમેદની આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાનાં વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે. સમગ્ર મેળા પરિસરમાં CCTV કેમેરા લગાવી સતત નજર રાખવામાં આવશે. મેળાનો આનંદ માણવા માટે અત્યારથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પરિવાર સાથે નદીના પટમાં તંબુ તાણીને રોકાવા લાગ્યા છે.
બીજી તરફ, સપ્ત સંગમ ખાતે સાબરમતી નદીમાં દૂષિત પાણી આવતું હોવાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી શકે તે માટે એન્જિનની મદદથી વાત્રક નદીનું શુદ્ધ પાણી લાવી ફુવારાના સ્વરૂપમાં સ્નાનની સુવિધા ઊભી કરવામાં આવી છે.
વિવિધ રાઇડ્સ મેળાનું આકર્ષણ બનશે
મેળામાં ભીડનું યોગ્ય નિયંત્રણ થઈ શકે તે માટે મોટા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સ્વચ્છતા જાળવવા માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારો તૈનાત રહેશે અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. મનોરંજન માટે મોટા ચગડોળ, મોતનો કૂવો અને હોડકાં સહિતની વિવિધ રાઇડ્સ મેળાનું મુખ્ય આકર્ષણ બનશે.
લાખોની સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આમ, શ્રદ્ધા, પરંપરા અને મનોરંજનના સંગમ સમાન વૌઠાના લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.









