વૌઠાના મેળામાં જવાનો પ્લાન હોય તો ખાસ વાંચજો! તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, મનોરંજનના તમામ પ્લોટ હાઉસફુલ!

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ અને શ્રદ્ધાના પ્રતીક સમાન સુપ્રસિદ્ધ વૌઠાનો મેળો આગામી 20 નવેમ્બર (કાર્તિકી અગિયારસ) થી 25 નવેમ્બર (પૂનમ) દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. સતત દિવસ-રાત એમ પાંચ દિવસ સુધી ચાલનારા આ ઐતિહાસિક લોકમેળાને લઈને અત્યારથી જ વેપારીઓ અને સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાત નદીઓના સંગમ સ્થાને ભરાય છે મેળો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે સાત પવિત્ર નદીઓના સંગમ સ્થાન (સપ્તસંગમ) પર આવેલા ઐતિહાસિક ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો ભરાય છે. અહીં કાર્તિકી પૂનમના પવિત્ર દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં પવિત્ર સ્નાન અને દેવદર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. ધાર્મિક મહત્ત્વની સાથે-સાથે આ મેળો ખાસ કરીને ગધેડાની લે-વેચના બજાર અને ગ્રામીણ લોકસંસ્કૃતિ માટે સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે.
મનોરંજન વિભાગના તમામ પ્લોટનું વેચાણ પૂર્ણ
મેળાને લઈને વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ મેળાના મેદાનમાં વિવિધ સ્ટોલ અને દુકાનો માટે પ્લોટોની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં નાના-મોટા વેપારીઓ રોજગારી મેળવવા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને મનોરંજન વિભાગના તમામ પ્લોટોનું વેચાણ પૂર્ણ થઈ ગયું છે, જ્યાં આ વખતે વિવિધ આકર્ષક રાઈડ્સ, મોતના કૂવા અને મોટા ચકડોળ સહેલાણીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
યાત્રાળુઓની સુરક્ષા માટે તંત્ર સજ્જ
પાંચ દિવસ સુધી દિવસ-રાત ધમધમતા આ મેળામાં લાખો લોકોની ભીડ ઉમટતી હોવાથી યાત્રાળુઓની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.















