ભાઈબીજના દિવસે ST નિગમની તિજોરી છલકાઈ; ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ સર્જાયો, કુલ આવક 13 કરોડને પાર

ભાઈબીજના દિવસે ST નિગમની તિજોરી છલકાઈ; ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ સર્જાયો, કુલ આવક 13 કરોડને પાર
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCએ તહેવારોના દિવસોમાં ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ ટિકિટ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જ્યો છે. 11 નવેમ્બરના રોજ ભાઈબીજ નિમિત્તે રાજ્યભરમાં એક જ દિવસમાં 1,46,875 સીટોનું ડિજિટલ બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. આ ગૌરવવંતી સિદ્ધિ સાથે GSRTC સતત 7મા વર્ષે દેશભરના તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ્સ (STU)માં ડિજિટલ બુકિંગ અને આવકની દ્રષ્ટિએ નંબર-1 પર રહ્યું છે.

મોબાઈલ એપનો હિસ્સો 67%, કુલ આવક 13 કરોડથી વધુ 

જાહેરાત

11 નવેમ્બરના રોજ થયેલા કુલ 1,46,875 ડિજિટલ સીટ બુકિંગમાંથી 99,402 સીટો માત્ર GSRTCની સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ બુક કરાઈ છે. ડિજિટલ બુકિંગથી નિગમને માત્ર એક જ દિવસમાં 3.55 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે, જેમાં એકલા મોબાઈલ એપનો હિસ્સો 2.27 કરોડ રૂપિયા રહ્યો છે. આ ઉપરાંત, ઓનલાઈન અને ઓફલાઈન મળીને નિગમની એક દિવસની કુલ આવક 13 કરોડ રૂપિયાના આંકડાને પણ વટાવી ગઈ છે.

સાત વર્ષમાં બમણું થયું ડિજિટલ બુકિંગ

વર્ષ 2019માં એક દિવસમાં 74,368 ટિકિટનું બુકિંગ અને 1.53 કરોડની આવકથી શરૂ થયેલો આ ગ્રાફ વર્ષ 2026માં નવા શિખરો સર કરી ચૂક્યો છે. છેલ્લાં વર્ષોમાં તહેવારોના એક દિવસમાં થયેલું ડિજિટલ બુકિંગ અને આવકની સ્થિતિ નીચે મુજબ છે. 

વર્ષ         ટિકિટ બુકિંગ        આવક 
2019      74,368           ₹1.53 કરોડ 
2022    1,14,880         ₹2.10 કરોડ
2023    1,32,177         ₹2.97 કરોડ
2024    1,41,468         ₹3.15 કરોડ
2025    1,33,043         ₹3.19 કરોડ
2026    1,46,875         ₹3.55 કરોડ

તહેવારોના વ્યસ્ત સમયમાં એસ.ટી. નિગમના ડ્રાઇવર અને કંડક્ટર મુસાફરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા હંમેશા નિષ્ઠાથી ફરજ નિભાવે છે. આ સફળતા બદલ નિગમે તમામ મુસાફરો અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત