અમદાવાદના ઈસ્કોન પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કારને મારી ટક્કર

અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલ કારોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારનો ભારે નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ એસજી-2 ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનો છે કે આ અકસ્માતમાં આરોપી કારચાલકને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરે તે પહેલા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રની કારમાં 6 લોકો સવાર હતા, પૂરપાટ ઝડપે આવીને સર્જ્યો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારચાલકે પોતાના મિત્ર પાસેથી કાર લાવ્યો હતો. કારમાં કૂલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ નજીક આવતા જ ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને સર્વિસ રોડ સાઈડમાં પડેલ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના ધમાકાથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.
કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક વૈભવી કાર સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે વૈભવી કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી. ઘટનાના ભયાનક સીસીટીવી પણ સામે આવ્યા છે. કાર ચાલકે પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જ્યો હોવાનું સ્વીકાર્યું છે.

