અમદાવાદના બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળી 28 વર્ષીય પરિણીતાએ એસિડ પી કર્યો આપઘાત: પિતાએ જમાઈ સામે નોંધાવી ફરિયાદ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાએ પતિના શારીરિક અને માનસિક ત્રાસ તેમજ સતત મેણાં-ટોણાંથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પત્નીને આપઘાત કરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત ખાતે રહેતા તારબાબુ દોહરેની 28 વર્ષીય દીકરી અંકુદેવીના લગ્ન વર્ષ 2023માં સૌરભ દોહરે સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને બે સંતાનો થયાં હતાં. જોકે, લગ્ન બાદથી જ પતિ સૌરભ અવારનવાર દારૂ પીને અંકુદેવી સાથે ગાળાગાળી તેમજ મારઝૂડ કરતો હતો. પતિ સતત 'તું મને ગમતી નથી, તું મરી જા' કહી માનસિક ત્રાસ આપતો હતો. ત્રાસથી કંટાળીને અંકુદેવી અગાઉ ત્રણ વખત પિયર જતી રહી હતી, પરંતુ સામાજિક સમાધાન બાદ તે પરત સાસરે આવી હતી.
23મી સપ્ટેમ્બરના રોજ સવારે સાતેક વાગ્યે સૌરભ ઘરમાં સૂતો હતો, ત્યારે ત્રાસથી કંટાળેલી અંકુદેવીએ જાતે એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવ બાદ મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવાયો હતો. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતકના પિતાએ અમદાવાદ આવી બાપુનગર પોલીસ સ્ટેશનમાં સૌરભ દોહરે સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બીએનએસની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણ) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
'મને અહીંથી લઈ જાવ, પતિ ખૂબ મારે છે'
મૃતક અંકુદેવીએ આપઘાત કર્યો તેના આશરે પાંચથી સાત દિવસ પહેલાં કોઈ અજાણ્યા નંબર પરથી ઉત્તર પ્રદેશ ખાતે પોતાની માતા ઉષાદેવીને ફોન કર્યો હતો. ફોન પર રડતાં રડતાં અંકુદેવીએ જણાવ્યું હતું કે, 'પતિ સૌરભે દારૂ પીને ખૂબ માર માર્યો છે અને ત્રાસ આપે છે, તેથી મારે હવે અહીં નથી રહેવું, મને જલદી પિયર તેડી જાવ.' ત્યારબાદ માતાએ સમજાવીને થોડા દિવસોમાં તેડવા આવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તે પહેલાં જ પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું.

