અમદાવાદ : મુસ્લિમ યુવકે 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવા બોલાવી હતી. જે બાદ ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેને રિવરફ્રન્ટ પાસે મૂકીને ફરાર થઈ ગયો. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
જમાલપુર મળવા બોલાવી અપહરણ કર્યું અને દુષ્કર્મ આચર્યું
આરોપી યુવકનું નામ અકીલ મલેક છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના પહેલા સંપર્ક થયો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે તથા વાતચીત શરૂ થઈ હતી.
31 જુલાઈના રોજ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી હતી. જ્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે જાસપુરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે એક મિત્રની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજા દિવસે આરોપી સગીરાને પાલડી રિવરફ્રન્ટ ખાતે મૂકીને ફરાર થઈ ગયો હતો.
ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની કરી ધરપકડ
સગીરા ઘરેથી નીકળી અને પરત ન આવતા તેની માતાએ આ બાબતને લઈને શોધખોળ કરી હતી. બીજા દિવસે સગીરા ઘરે પરત ફરતા માતા પિતાએ પૂછતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. અંતે આ ઘટનાને લઈને સગીરાની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે અકીલ મલેક સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલો આરોપી ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજનો રહેવાસી છે અને ઘોડાગાડી ચલાવવાનું કામકાજ કરે છે.હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરાને અગાઉ મળ્યો છે કે કેમ અને તેણે આ કામ માટે કોની કોની મદદ લીધી છે, તે તમામ દિશામાં આરોપીની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

