ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોનું આંદોલન ઉગ્ર બનશે, આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવા ભાડા વિધેયકના વિરોધમાં વકીલોનું આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. નવા ભાડા અધિનિયમથી વકીલોની રોજગારી તેમજ કેસોની ન્યાયિક પ્રક્રિયા પર અસર થવાની આશંકા વ્યક્ત કરી વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકીલો અને એસોસિએશનની મુખ્ય માંગ છે કે જૂનો કાયદો યથાવત રાખવામાં આવે.
અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાશે
આવતીકાલથી રાજ્યભરની અદાલતોમાં વકીલો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવશે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાની હેઠળ કોર્ટ પરિસરની બહાર ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે.
બાઇક રેલીનું આયોજન
અમદાવાદમાં આવતીકાલે વકીલો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી શરૂ થઈ મેટ્રો કોર્ટ પહોંચશે. મેટ્રો કોર્ટ ખાતે વકીલો રેલીનું સ્વાગત કરી તેમાં જોડાશે. ત્યારબાદ રેલી મેટ્રો કોર્ટથી ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ તરફ આગળ વધશે અને અંતે ગાંધીજીની પ્રતિમા પાસે રેલીનું સમાપન કરવામાં આવશે.
નવા ભાડા અધિનિયમને લઈને વકીલો દ્વારા સરકાર સમક્ષ જૂનો કાયદો યથાવત રાખવાની માંગ કરવામાં આવી રહી છે. આવતીકાલથી શરૂ થનારી અચોક્કસ મુદ્દતની હડતાળને કારણે રાજ્યભરની અદાલતોમાં ન્યાયિક કામગીરી પર પણ અસર થવાની શક્યતા છે.

