ગુજરાતમાં 68 લાખ મતદારોના નામ પર 'SIR'ની કાતર, વિરોધ વધતાં ચૂંટણી પંચે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ!

ડિસેમ્બર 2025માં ભારે વિવાદાસ્પદ બનેલી સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની લંબાણપૂર્વકની કવાયત સંદર્ભે ત્રણ ચૂંટણી કમિશનર વચ્ચેની કથિત અંટસને પગલે હવે SIR દરમિયાન રદ થયેલાં નામો ફરી દાખલ કરવાની તકના નામે રૂટિન ‘મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ આ વખતે કેટલાક સૂચિત વધારા સાથે આવી રહ્યો છે. રાજકીય હિત-પ્રેરિત ગણાવાયેલી SIR પ્રક્રિયાના વિવાદને ઠંડો પાડવા આ ‘વિશેષ અભિયાન’માં બૂથ લેવલ ઓફિસરો સહિત સમગ્ર ગુજરાતનાં ચૂંટણીતંત્ર અને ખાસ કરીને મતદારોને ચૂંટણીપંચ નાહકની તકલીફ આપવા ચાલ્યું છે.
જૂની-નવી યાદી સરખાવીને છૂટી ગયેલા ‘લાયક’ મતદારો શોધવાની કવાયત
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી સૌપ્રથમ તો ગુજરાતમાં ગત દિવાળી બાદ મતદાર યાદીમાંથી બેવડાં, ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા 68 લાખથી વધુ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા હતા. ખાસ તો અનેક સ્થળોએ મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-7 ભરીને મોટી સંખ્યામાં નામ રદ કરી નાખવામાં આવ્યાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

