દિલ્હી હાજર ન રહેનારા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરતાં કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ

દિલ્હી હાજર ન રહેનારા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરતાં કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ગુજરાત કોંગ્રેસમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ આંતરિક અસંતોષ સામે આવ્યો છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાજર ન રહેનારા યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સંગઠન સૃજન અભિયાનના વોટ્સએપ ગ્રુપમાં જ કાર્યકર્તાઓએ આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. કાર્યકર્તાઓનો સવાલ છે કે કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે જ શા માટે કરવામાં આવી રહી છે?

જાહેરાત

કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ દિલ્હી હાજર રહ્યા નહોતા, તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? અનેક શહેર અને જિલ્લાના પ્રમુખો પણ હાજર નહોતા, તો તેમની સામે સંગઠન શું એક્શન લેશે?

આટલું જ નહીં, કાર્યકર્તાઓએ ટિકિટ ફાળવણીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. યુથ કોંગ્રેસના જે નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી, તેમની જગ્યાએ કોર્પોરેશન અને વિધાનસભાની ટિકિટ મેળવનારા નેતાઓ દિલ્હી હાજર રહ્યા હતા કે નહીં, તે અંગે પણ જવાબ માગવામાં આવ્યો છે.

એક તરફ સંગઠન શિસ્તના નામે કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ આ કાર્યવાહી માત્ર એક જ વર્ગ પૂરતી મર્યાદિત કેમ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

હવે યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામેની કાર્યવાહી ગુજરાત કોંગ્રેસમાં વધુ આંતરિક અસંતોષ ઊભો કરે છે કે સંગઠન આ નારાજગી દૂર કરવા કોઈ સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત