રાજ્યભરમાં 1400થી વધુ સ્થળોએ ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, હાઈવે હોટલોથી લઈ આઈસ્ક્રીમના એકમો સુધી તવાઈ

રાજ્યભરમાં 1400થી વધુ સ્થળોએ ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, હાઈવે હોટલોથી આઈસ્ક્રીમના એકમો સુધી તવાઈ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 'ઓપરેશન હેલ્થ' હેઠળ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે હોટેલો મળીને રાજ્યભરમાં કુલ 1,477 સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 691 હાઈવે હોટલોમાંથી ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટલોને નોટિસ પાઠવવામાં આવી છે.

આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવા સૂચના

જાહેરાત

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની કામગીરી અંગે માહિતી આપતા આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની તપાસ હેઠળના કુલ 786 એકમો પૈકી 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકોને આ અંગે સ્પષ્ટ જાણકારી મળે તે માટે સંબંધિત આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય.

ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસ

હાઈવે પરની હોટલોની તપાસ અંગે માહિતી આપતા આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય હાઈવે પરની કુલ 691 હોટેલોની તપાસમાં 175 હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો છે અને તેના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જો આ નમૂના નિષ્ફળ નીવડશે કે કોઈ ખામી જણાશે, તો સંબંધિત એકમને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી રહેશે- આરોગ્ય મંત્રી

આરોગ્યમંત્રીએ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરતા ઉમેર્યું કે, શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. હવે પછી જો કોઈ હોટેલ કે એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત