ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VCએ નિમેલા 10 હંગામી અધિકારીઓ સસ્પેન્ડ, તપાસ માટે કમિટીની રચના

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ(VC) નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ VCએ નિમેલા અધિકારીઓ 40 હજારથી લઈને 5 લાખ સુધીનો પગાર મેળવતા હતા. યુનિવર્સિટીમાંથી 10 અધિકારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી કાર્યકારી કુલપતિના આદેશથી કરવામાં આવી છે. સમગ્ર મામલે રૂ.11 કરોડના નુકસાનનો આક્ષેપ થઈ રહ્યો છે. હંગામી કર્મચારીઓની નિમણૂક અને લાયકાતની તપાસ માટે કમિટીની રચના પણ કરાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તાએ નિમેલા 10 અધિકારી સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર એક ઐતિહાસિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા રચાયેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ પૂર્વ VC ડૉ. નીરજા ગુપ્તા દ્વારા નિયમો નેવે મૂકીને ભરતી કરાયેલા તમામ 10 અધિકારીઓ તેમજ કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરી દેવાયા છે.
પૂર્વ VC નીરજા ગુપ્તા પર ગંભીર આક્ષેપ
પૂર્વ VC ડૉ. નીરજા ગુપ્તા પર એવા ગંભીર આક્ષેપો છે કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૂના હંગામી કર્મચારીઓને ફરજમુક્ત કરીને પોતાના માનીતા લોકોને ગેરકાયદે રીતે હોદ્દાઓ આપી ખોટી રીતે પગાર ચૂકવ્યા હતા. આ મામલે યુનિવર્સિટીના ભંડોળનો બેફામ દુરુપયોગ થયો હોવાનો દાવા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) પણ મેદાને આવ્યું છે.
ABVP કાર્યકરોનો ઉગ્ર વિરોધ
7 ઑગસ્ટના રોજ મોટી સંખ્યામાં એકઠા થયેલા ABVPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આ સમગ્ર ગેરરીતિ અંગે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

