Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીમાં 22 વર્ષથી હોકીના કોચ છે પણ મેદાન જ નથી, જે રમતોમાં મેદાન છે તેમાં કોચ નથી

ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની એક બાજુ વાતો અને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ ખરેખર જ્યાંથી ઓલિમ્પિક માટેના ખેલાડીઓ તૈયાર થઈ શકે છે તે કોલેજો-યુનિના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસની તૈયારી-સુવિધાઓ અને પ્રેરણાના નામે મીંડુ જોવા મળી રહ્યું છેસ સૌથી જુની અને મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં સત્તાધીશોની સ્પોર્ટસ પ્રત્યેની ભારોભાર અવગણના વચ્ચે છેલ્લા 5 વર્ષથી સ્પોર્ટસના કાયમી ડિરેક્ટર જ નથી.
ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એક કોચને બાદ કરતા તમામ સ્ટાફ હંગામી
ઉપરાંત આખા ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એક કોચને બાદ કરતા તમામ સ્ટાફ હંગામી છે, અને શારીરિક શિક્ષણના પીજી કોર્ટમાં પણ એકેય કાયમી શિક્ષક નથી, એટલું જ નહીં ગંભીર અને ચોંકાવનારી વાત એ છે કે યુનિમાં 22 વર્ષથી હોકીના કાયમી કોચ છે, પરંતુ હોકીનું મેદાન જ નથી. ગુજરાત યુનિવર્સિટીમાં 25થી વધુ વિભાગો આવે છે, જેમાં 3થી4 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે કોઈ સ્પોર્ટસની કોઈ પુરતી સુવિધાઓ જ નથી. ઉપરાંત ટ્રેનર, કોચ કે સ્પોર્ટસ ઈન્સ્ટ્રક્ટર કે પીટી ઈન્સ્ટ્રક્ટર સહિતનો સ્ટાફ જ નથી.
22 વર્ષથી હોકીના કાયમી કોચ છે, પરંતુ મહત્વની વાત છે કે હોકીનું મેદાન જ નથી
મળતા અહેવાલ પ્રમાણે ગુજ યુનિમાં છેલ્લા 22 વર્ષથી હોકીના કાયમી કોચ છે, પરંતુ મહત્વની વાત છે કે હોકીનું મેદાન જ નથી. હોકીની કોઈ ટૂર્નામેન્ટ થતી હોય તો ટ્રેકની વચ્ચે હોકીના ગોલ પોસ્ટ મૂકી દેવામાં આવે છે. સિન્થેટિક ટ્રેક પણ કરોડોના ખર્ચે બન્યો છે અને કોઈ ટૂનાર્માનેટ થતી નથી અને વેડફાઈ રહ્યો છે. જ્યારે યુનિમાં હાલ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ અને ચેસથી માંડી સ્વિમિંગ સહિતની વિવિધ રમતો માટેની સુવિધાઓ છે, પરંતુ કોચ જ નથી.
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી સ્પોર્ટસમા કોઈ કાયમી ડિરેક્ટર જ નથી
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી સ્પોર્ટસમા કોઈ કાયમી ડિરેક્ટર જ નથી, પાંચ વર્ષથી અન્ય વિષયો-વિભાગના છ અધ્યાપકોને સ્પોર્ટસ ડિેરેક્ટરનો ચાર્જ આપી કામગીરી ચલાવાય છે. જ્યારે બીજી બાજુ જે અધ્યાપકોને ચાર્જ આપવામાં આવ્યો હોય છે ન તો તેઓ તેમના ટીચિંગમાં કે ગાઈડશીપમાં કે રિસર્ચમાં ધ્યાન આપી શકે છે. કારણકે સ્પોર્ટસનોવિષય જ તેમનો નથી અને સ્પોર્ટસનું પ્રોફેશનલ નોલેજ પણ તેમની પાસે નથી હોતું. હાલના ડિરેક્ટર જેઓ સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ અને સીનીયર પ્રોફેસર હોઈ તેઓ પણ સ્પોર્ટસની કામગીરીથી કંટાળી ગયા છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા હવે તેઓને દૂર કરીને કાયમી ડિરેક્ટર લાવશે કે નહીં તે પ્રશ્ન છે.
કરોડોના ઈન્ડોર સ્ટેડિયમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિતની સુવિધાઓ બંધ
ગુજરાત યુનિમાં કરોડોના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમથી માંડી સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથે આખુ સ્પોર્ટસ સિટી ઉભુ કરાયું છે અને મોટું બોર્ડ પણ મારી દેવાયું છે. પરંતુ આ સ્પોર્ટસ સિટીમાં પ્રવેશતા જાણે કે સ્પોર્ટસ નામે કરોડો રૂપિયાના વેડફાટ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, ઈન્ડોર સ્ટેડિયમ કે જ્યાં વિવિધ ટૂર્નામેન્ટો થતી હોય છે તે બંધ છે અને કાર્યક્રમ માટે આુી દેવાતા ગ્રાઉન્ડથી માંડી ઈન્ડોર સ્ટેજિયમ માટે પણ વિભાગીય ડિરેક્ટરની કન્સેન્ટ લેવાતી ન હોય કે ચર્ચા નથી હોવાનું સામે આવ્યું છે. યુનિમાં કરોડ઼ોમા ખર્ચે બનેલ રાઈફલ શૂટિંગનો ફેઝ-1 પણ બનીને તૈયાર છે. પરંતુ કોઈ ઈવેન્ટ કે ટૂર્નામેન્ટ યોજાઈ નથી અને હજુ બીજો ફેઝ બનાવવાનો બાકી છે.
છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી એક પણ કાયમી ફેકલ્ટી જ નથી
ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કહેવા પુરતા કેટલાક હંગામી કર્મચારીઓ છે અને કોચને બાદ કરતા એક પણ કાયમી સ્ટાફ નથી. ફીઝિકલ એજ્યુકેશનના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી એક પણ કાયમી ફેકલ્ટી જ નથી. બહારથી ફેકલ્ટી લાવીને કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. યુનિ લેવલે વિદ્યાર્થીઓને સ્પોર્ટસ માટે નથી, પરંતુ પ્રોત્સાહન મળતુ નથી કોઈ પુરતી ટ્રેનિંગ મળતી નથી. ઓલિમ્પિકની તૈયારીઓ અને વાતો વચ્ચે ગુજરાત યુનિમાં સ્પોર્ટ્સને લઈને ભારોભાર અવગણના થઈ રહી છે, અને યુનિના સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું.
યુનિ.-કોલેજ ટૂર્નામેન્ટોના અણઘડ આયોજનોઃ વિદ્યાર્થીઓને અન્યાય
લોકલ સ્પોર્ટસ કમિટી દ્વારા બેડમિન્ટન, કબબ્બડી, રાઈફલ શૂટિંગ, ફૂટબોલ,ચેસ,સ્વિમિંગ,ક્રિકેટ,હોકી, હેન્ડબોલ સહિતની 20થી વધુ રમતો માટે ઇન્ટર કોલેજ ટૂર્નામેન્ટનુંટાઈમટેબલ નકકી કરાયુ હતું. જેમાં 30 અને 31 જુલાઈએ સ્વિમિંગ-ચેસ માટેની કોમ્પિટિશન હતી પરંતુ આ બે સ્પર્ધા માટે યુનિ.ના વિવિધ પીજી કોર્સીસ-વિભાગોમાંથી વિદ્યાર્થીઓ-ખેલાડીઓના નામ મંગાવવાના હતા ત્યારે કોઈ પ્લાનિંગ જ ન થયુ અને વિદ્યાર્થીઓ સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટમાં બારોબાર નામ આપી ગયા પછી ઘ્યાને આવ્યુ કે બાકીની ટૂર્નામેન્ટ માટે તમામ વિભાગોમાંથી સિલેકશન સાથે નામો આવે તે માટે પીજી વિભાગોની મીટિંગ કરવી પડશે.
જેથી યુનિ.ના સેન્ટ્રલ જીમખાના દ્વારા 30મીએ મીટિંગ બોલાવાઈ પરંતુ આ મીટિંગમાં પણ કોમર્સ સહિતના ઘણા વિભાગોના કોઈ પ્રતિનિધિ-અઘ્યાપક હાજર રહ્યા નહીં. ઘણા પીજી કોર્સીસ-વિભાગોના વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આવી કોઈ ટૂર્નામેન્ટ થઈ રહી છે ત્યાં ભાગ ક્યાંથી લે.તમામ વિભાગોને પરિપત્ર પણ કરાયો પરંતુ ઘણા વિભાગે રમતો માટેનો પરિપત્ર નોટિસબોર્ડ પર મુકવાની તસ્દી જ લીધી ન હતી.જ્યારે પરિપત્રમાં પણ છબરડો કરીને 31 જુલાઈ સુધીમાં નામો મંગાવાયા હતા. સેન્ટ્રલ જીમખાના-વિભાગીય વડાનું કહેવુ છે કે લોકલ સિલેકશન કમિટીમાં તેઓને બોલાવાયા જ નથી.

