Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court receives bomb threat, rushes after receiving email

ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સંકુલમાં વિસ્ફોટકો હોવાનો ઈ-મેઈલ મળતા દોડધામ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સંકુલમાં વિસ્ફોટકો હોવાનો ઈ-મેઈલ મળતા દોડધામ
સોર્સ : GSTV

અમદાવાદમાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

App Store

મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોવાનો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક અનામી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ગુરુવારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોલા હાઈકોર્ટ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંકુલની અંદર વિસ્ફોટકો પ્લાન્ટ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટને ઉડાવી દેવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ મેઈલ ધ્યાનમાં આવતાની સાથે જ હાઈકોર્ટના વહીવટી તંત્રએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના પગલા રૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સુરક્ષા જવાનોએ સમગ્ર સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ જેવી સંવેદનશીલ જગ્યા માટે મળેલી ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓ હાલમાં ઈમેઈલનું આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરી રહ્યા છે, જેથી જાણી શકાય કે મેઈલ રાજ્યની અંદરથી આવ્યો છે કે કોઈ વિદેશી સર્વરનો ઉપયોગ થયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, સર્વર લોગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે.

અત્યાર સુધીના અહેવાલ મુજબ તપાસ દરમિયાન સંકુલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેરિફિકેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદની મુખ્ય સંસ્થાઓ, શાળાઓ અને મોલને બોમ્બથી ઉડાવી દેવાની હોક્સ (ખોટી) ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. જોકે, આ તાજેતરનો મેઈલ અગાઉની ઘટનાઓ સાથે કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે જ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હાઈકોર્ટને નિશાન બનાવતી ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.