ગોધરા ટ્રેન કાંડના 7 દોષિતોના પેરોલ ગુજરાત હાઈકોર્ટે ત્રણ અઠવાડિયા લંબાવ્યા

વર્ષ 2002ના ગોધરા ટ્રેન કાંડમાં દોષિત ઠરેલા સાત કેદીઓને ગુજરાત હાઈકોર્ટે વધુ ત્રણ અઠવાડિયા માટે પેરોલની રાહત આપી છે. મંગળવારે આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે અગાઉ મંજૂર કરવામાં આવેલી પેરોલની મુદત લંબાવવાનો આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી હવે 10 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ સમક્ષ મહેબૂબ યાકુબ મીઠા ઉર્ફે પોપા શેખ, મહેબૂબ અહેમદ યુસુફ હસન ઉર્ફે લતીકો, જાબિર બિન્યામીન બહેરા, રમઝાની બિન્યામીન બહેરા, શોકત યુસુફ ઇસ્માઇલ મોહન ઉર્ફે બીબીનો ઘાંચી, સિરાજ મોહમ્મદ અબ્દુલ રહેમાન મેડા ઉર્ફે લાલ અને અનવર મહમદ મેડા ઉર્ફે લાલા શેખ દ્વારા પેરોલ લંબાવવા માટે અરજીઓ કરવામાં આવી હતી.
અગાઉ ચાર મહિના માટે મળી હતી પેરોલ
ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં આ દોષિતોની પેરોલ અરજીઓ પર વિચારણા કરતી વખતે હાઈકોર્ટે રાજ્ય સરકારની રજૂઆતને ધ્યાનમાં લીધી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે દોષિતોની સજા માફી (રેમિશન)ની અરજીઓ નામંજૂર કરતો છેલ્લો આદેશ થયાના એક વર્ષ બાદ સંબંધિત સત્તામંડળે તેમના કેસની પુનઃવિચારણા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ મામલે હાઈકોર્ટે સંબંધિત સત્તામંડળને શક્ય તેટલી વહેલી તકે અને પ્રાથમિકતા ધોરણે ચાર મહિનામાં યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. દોષિતોએ જેલમાં ભોગવેલા સમયગાળાને ધ્યાનમાં રાખીને તેમને ચાર મહિના માટે અથવા રાજ્ય સત્તામંડળ નવો નિર્ણય લે ત્યાં સુધી, બેમાંથી જે સમય વહેલો આવે ત્યાં સુધી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.
ગોધરા કાંડમાં 31 લોકોને થઈ હતી સજા
ગોધરા ટ્રેન કાંડના કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે કુલ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાં 11 આરોપીઓને ફાંસીની સજા જ્યારે અન્ય 20 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી, જ્યારે અન્ય 20 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી હતી.
સુપ્રીમ કોર્ટમાં અપીલો હજુ પડતર
આ કેસમાં દોષિતોએ પોતાની સજાને પડકારતી ફોજદારી અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે, જે હજુ પડતર છે. બીજી તરફ, ગુજરાત સરકારે પણ હાઈકોર્ટ દ્વારા 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અલગ અપીલો દાખલ કરી છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટે સાત દોષિતોની પેરોલ મુદત વધુ ત્રણ અઠવાડિયા લંબાવી છે અને આગામી સુનાવણી 10 ડિસેમ્બરે નિર્ધારિત કરી છે.















