ઘર ખરીદનારાઓ માટે ખુશખબર! હવે બિલ્ડરનો આખો 'કચ્ચો ચિઠ્ઠો' ખુલશે: ગુજરાત રેરા પોર્ટલ પર શરૂ થયું આ ખાસ ફીચર, જાણો કેવી રીતે ચેક કરવો રેકોર્ડ!

રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ પારદર્શિતા લાવવા અને પ્રોપર્ટી ખરીદનારા ગ્રાહકોના હક્કોના રક્ષણ માટે ગુજરાત રેરા (GujRERA) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. હવે ગુજરાત રેરાના વેબ પોર્ટલ (www.gujrera.gujarat.gov.in) પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર "પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ" (Promoter's Track Record) નામનું નવું સેક્શન ઉમેરવામાં આવી રહ્યું છે.
‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ સેક્શનમાં શું-શું જોઈ શકાશે?
- આ નવા સેક્શનની મદદથી કોઈ પણ નાગરિક પ્રોપર્ટી ખરીદતા પહેલા બિલ્ડર કે પ્રમોટરની વિશ્વસનીયતા ચકાસી શકશે. આ સેક્શનમાં કેટલીક મહત્ત્વની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
- જે-તે પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા રાજ્યમાં બીજા કયા-કયા પ્રોજેક્ટ્સ કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ યાદી.
- પ્રમોટરના અન્ય પ્રોજેક્ટ્સમાં કોઈ ફરિયાદ દાખલ થઈ હોય તો તેની વિગતો.
- કેસના જજમેન્ટની કોપી.
- ગુજરાત રેરા દ્વારા પ્રમોટર સામે કોઈ કાર્યવાહી (એક્શન) કે પેનલ્ટી કરવામાં આવી હોય તો તેની વિગત.
- જુદા-જુદા પ્રોજેક્ટ્સમાં પ્રમોટર દ્વારા કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ્સ સબમિટ કરવામાં આવ્યા છે તેની માહિતી.
લોગ-ઈન વગર 17 હજારથી વધુ પ્રોજેક્ટ્સની માહિતી
ગુજરાત રેરા પોર્ટલ પર હાલમાં રાજ્યના 17,000થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની વિગતો કોઈ પણ લોગ-ઈનની જરૂરિયાત વિના કમ્પ્યુટર કે મોબાઈલ પર જોઈ શકાય છે. પોર્ટલના હોમ પેજ પર પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજીસ્ટ્રેશન નંબર સર્ચ કરીને ‘View More’ પર ક્લિક કરવાથી પ્રોજેક્ટનો લે-આઉટ, એપ્રુવ્ડ પ્લાન્સ, કાર્પેટ એરિયા, બ્રોશર, આર્કિટેક્ટ-એન્જિનિયરની વિગત, યુનિટ બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ, પેમેન્ટ બેન્ક એકાઉન્ટ તથા બાનાખત અને સેલ ડીડના મુસદ્દા જેવી તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે.
આ ઉપરાંત, ગ્રાહકો, પ્રમોટર્સ અને એજન્ટ્સને રેરા કાયદા અને નિયમોના અપડેટ્સ નિયમિત મળી રહે તે માટે ગુજરાત રેરા દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચેનલ (@gujreraofficial) અને વોટ્સએપ ચેનલ (Gujarat RERA) પર પણ માહિતી પૂરી પાડવામાં આવે છે.











