NRI પાસેથી પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટી રાહત, 1 ઓક્ટોબરથી TDSની પ્રક્રિયા થશે સરળ

કેન્દ્ર સરકારે બિનનિવાસી ભારતીય (NRI) પાસેથી મિલકત ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે. હવે આગામી 1 ઓક્ટોબરથી NRI પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે ખરીદદારને અલગથી TAN-TDS એકાઉન્ટ નંબર (Tax Deduction Account Number) મેળવવાની જરૂર રહેશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આ અંગે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ ફેરફારથી મિલકતની ખરીદી બાદની કાગળની કાર્યવાહી અને ટેક્સ સંબંધિત પ્રક્રિયા વધુ સરળ બનશે.
ફોર્મ 161 અને 144ને મર્જ કરીને નવું ફોર્મ
નવી વ્યવસ્થા હેઠળ NRI સંબંધિત માહિતી માટેના અગાઉના અલગ ફોર્મને સરળ બનાવવામાં આવ્યા છે. CBDTએ ફોર્મ નંબર 161 અને 144ની પ્રક્રિયાને મર્જ કરીને સુધારેલું ફોર્મ 16 બહાર પાડ્યું છે. તેમાં નોન-રેસિડન્ટ (Non-Resident) વ્યક્તિને લગતી જરૂરી વિગતો ભરવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. હવે ખરીદદારને અલગ-અલગ ફોર્મની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.
જૂની વ્યવસ્થામાં TDSની પ્રક્રિયા અલગ હતી
અગાઉ ભારતમાં રહેતા વ્યક્તિ પાસેથી રૂ. 50 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદવામાં આવે ત્યારે ખરીદદારને ચૂકવવામાં આવતી રકમ પર 1 ટકા TDS (Tax Deducted at Source) કાપવો પડતો હતો. જ્યારે મિલકત વેચનાર NRI હોય ત્યારે TDSની પ્રક્રિયા અલગ હતી અને ચૂકવણીમાંથી 12.5 ટકાના દરે TDS કાપવાની જોગવાઈ હતી. આ માટે અલગ ફોર્મ ભરવા, ચલણ જમા કરાવવા અને અન્ય ટેક્સ સંબંધિત કાર્યવાહી કરવી પડતી હતી.
હવે એક જ ફોર્મમાં જરૂરી વિગતો ભરી શકાશે
નવા સુધારેલા ફોર્મથી રહેવાસી અને બિનનિવાસી બંને પ્રકારના વેચનારની વિગતો એક જ પ્રક્રિયામાં દર્શાવી શકાશે. અગાઉ NRI પાસેથી મિલકત ખરીદતી વખતે TAN નંબર, અલગ ફોર્મ અને TDS સર્ટિફિકેટ સહિતની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. હવે આ પ્રક્રિયામાં મોટી સરળતા આવશે. જોકે ભારતમાં રહેવાસી વ્યક્તિ પાસેથી મિલકત ખરીદનારને અગાઉ પણ TAN નંબર લેવાની જરૂર નહોતી.
1 ઓક્ટોબરથી નવી વ્યવસ્થા લાગુ થશે
CBDTના આ ફેરફારનો મુખ્ય હેતુ NRI પાસેથી મિલકત ખરીદનારાઓ માટે TDS સંબંધિત પાલન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. 1 ઓક્ટોબરથી નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ખરીદદારોને અલગથી TAN-TDS નંબર મેળવવા અને વધારાની કાગળની કાર્યવાહી કરવાની જરૂરિયાત ઘટશે. પરિણામે NRI પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ટેક્સ પ્રક્રિયા વધુ સરળ અને સુગમ બની શકે છે.

