જિયો લિસ્ટિંગ: અનંત અંબાણીના સંબોધનથી મુકેશ અંબાણીની આંખો છલકાઈ, ઈશા-આકાશ અંબાણીએ પણ મન જીતી લીધું

ભારતીય શેરબજારમાં બે દાયકા બાદ રિલાયન્સ જૂથની કોઈ નવી કંપની શેરબજારમાં પ્રવેશી છે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે યોજાયેલા લિસ્ટિંગ સમારોહ દરમિયાન એક અત્યંત ભાવુક ક્ષણ જોવા મળી હતી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણીની બાજુમાં બેઠા હતા અને જ્યારે તેમના ત્રણેય સંતાનો ઈશા, આકાશ અને અનંત અંબાણીએ રિલાયન્સના વારસા અને જિયોની સફર વિશે સંબોધન કર્યું, ત્યારે મુકેશ અંબાણીની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા.
10 લાખ કરોડથી વધુનું મૂલ્યાંકન
જિયો પ્લેટફોર્મ્સે BSE અને NSE પર અપેક્ષા કરતાં પણ વધુ જોરદાર લિસ્ટિંગ સાથે એન્ટ્રી કરી.
લિસ્ટિંગ પ્રાઇસ: રૂ. 1,119 ના IPO ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 1,359ના ભાવે લિસ્ટ થયો, જે 21.36 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે.
સૌથી મોટો IPO: રૂ. 30,213 કરોડનો આ જાહેર ઇશ્યૂ 22.19 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની ગયો છે.
માર્કેટ વેલ્યુએશન: આ સાથે જ આ ડિજિટલ કંપનીનું માર્કેટ કેપ રૂ. 10 લાખ કરોડને વટાવી ગયું છે.
મુકેશ અંબાણી પોતાના આંસુ રોકી ન શક્યા
શેરબજારમાં 21.4 ટકાના શાનદાર પ્રીમિયમ સાથે થયેલા ઐતિહાસિક ડેબ્યૂ પહેલાં જ્યારે રિલાયન્સની નવી પેઢી અનંત અંબાણી અને ઈશા અંબાણીએ મંચ પરથી પોતાના પિતાના સંઘર્ષ, વિઝન અને દેશવાસીઓના યોગદાનને યાદ કર્યું, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના આંસુ રોકી શક્યા નહોતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જિયોને એક એવું સાહસ ગણાવ્યું જે જનતાના અપાર સ્નેહ અને સમર્થનથી ઘડાયું છે. તેમણે કહ્યું કે, જિયોને સમગ્ર રાષ્ટ્રના આશીર્વાદ મળ્યા છે. માએ કહ્યું 'જિયો મેરે લાલ', દાદીએ કહ્યું 'જુગ જુગ જિયો', અને દોસ્તોએ કહ્યું 'જિયો યાર'. આજે જે એક શબ્દ સૌથી વધુ મહત્વનો છે તેનાથી હું શરૂઆત કરું છું, કૃતજ્ઞતા. એ કરોડો લોકોનો આભાર જેમણે જિયો પર વિશ્વાસ મૂક્યો અને આ દિવસને શક્ય બનાવ્યો. જિયો તમે બનાવ્યું છે. તમારાં સપનાંઓને સાકાર કરવાં એ જ અમારું સપનું છે. અમે ત્રણ ભાઈ-બહેન 'ત્રણ શરીર પણ એક આત્મા' જેવા છીએ, જેઓ ભારતીયોના સપનાઓને વાસ્તવિકતામાં બદલવાના સમાન સંકલ્પ સાથે જોડાયેલા છીએ
ઈશા અંબાણીએ પિતાના શરૂઆતના દિવસો યાદ કર્યા
રિલાયન્સ રિટેલ વેન્ચર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ ઉપસ્થિત મહેમાનોને રિલાયન્સની સ્થાપનાના પ્રારંભિક દિવસોની યાદ અપાવી હતી. તેમણે થોડા દિવસો પહેલાં ફેમિલી ડિનર વખતે પિતા સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, અમારા ડિનર ટેબલ પર, મારા પિતા મુકેશ અંબાણી 1977ના પોતાના દિવસો યાદ કરી રહ્યા હતા. તે સમયે તેઓ માત્ર 20 વર્ષના હતા અને રિલાયન્સના પ્રથમ IPO પર કામ કરી રહ્યા હતા. મારા દાદા, શ્રી ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સને જનતા સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. આકાશે છેલ્લા 13 વર્ષ સખત મહેનત કરીને જિયોને 53 કરોડથી વધુ ગ્રાહકો સાથે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બનાવી છે.
'જિયોનો વિચાર ઈશાએ વાવ્યો હતો', અનંત અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે જિયોની શરૂઆત ઈશા દ્વારા રોપાયેલા એક વિચારથી થઈ હતી, જેને પાછળથી ભાઈ આકાશ અંબાણીએ અપનાવીને એક વિશાળ વટવૃક્ષ બનાવ્યું.
આ લિસ્ટિંગ ફિનિશ લાઈન નથી, સ્ટાર્ટ લાઈન છે:આકાશ અંબાણી
જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ NSEના મંચ પરથી ભવિષ્યનું વિઝન રજૂ કર્યું હતું. આકાશ અંબાણીએ કહ્યું કે, અમે ભારત અને સમગ્ર વિશ્વમાં જિયોને વિકાસ, શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું વચન આપીએ છીએ. આગામી દસ વર્ષોમાં, અમે ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી દરેક ટેકનોલોજીને લોકશાહી ઢબે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગીએ છીએ. AI, ક્લાઉડ, કનેક્ટેડ ડિવાઇસીસ, સ્પેસમાંથી કનેક્ટિવિટી અને એવી ડિજિટલ સેવાઓ જેની હજુ સુધી કલ્પના પણ નથી થઈ. ભારત હવે માત્ર ગ્રાહક મટીને ટેકનોલોજી સર્જક બની રહ્યું છે. અમે હવે ત્રિરંગાને વૈશ્વિક સ્તરે લઈ જવા તૈયાર છીએ.









