Ahmedabad news: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ ઝડપાયું, 24 લોકોને પોલીસે દબોચ્યા

અમદાવાદમાંથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાનું કૌભાંડ પકડાયું છે. આશ્રમ રોડ ઉપર સાકાર-9 બિલ્ડીંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક-યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતાં હોવાનું કહીને દવા મોકલવાના બહાને ડોલર મેળવી લેવામાં આવતાં હતાં.
નબળી ગુણવત્તાની દવા આપી ડોલર પડાવ્યા
અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી નહોતી અથવા તો નબળી ગુણવત્તાની દવા અપાતી હોવા અંગે નવરંગપુરા પોલીસે 24 યુવક - યુવતીઓ સામે ફરિયાદ નોંધી છે. નવરંગપુરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સુત્રધાર અભિષેક પાઠક સહિત 24ને ઝડપી લઈ મુખ્ય આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
વિદેશી ભારતીયોને નિશાન બનાવતા ઠગ
નવરંગપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, આશ્રમ રોડ ઉપર સીટી ગોલ્ડ સિનેમાની બાજુમાં આવેલા સાકાર-9 બિલ્ડીંગના 12મા માળે આવેલી મુનરાઈઝ રેમેડી કેર પ્રા.લિ. નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવવામાં આવે છે. આ કોલ સેન્ટરમાંથી અમેરિકામાં ફોન ઉપર વાત કરીને પોતે અમેરિકાથી જ બોલતા હોવાનું કહેવાતું હતું. વિદેશમાં રહેતા ભારતીયોની મેડિકલ અંગેની તકલીફો જાણીને 600 ડોલરનું મેડિસિનનું પેકેજ સમજાવવામાં આવતું હતું. આ પ્રકારે પેકેજ સમજાવીને ઓનલાઈન ડોલર મેળવી લઈને દવા મોકલી આપવામાં આવશે તેમ જણાવાતું હતું.
પૈસા લીધા બાદ દવા ન મોકલીને છેતરપિંડી
પૈસા મેળવી લીધા પછી કોઈપણ પ્રકારની દવા નહીં મોકલી અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ વિગતોના આધારે નવરંગપુરા પોલીસની ટીમે મુનરાઈઝ રેમેડી કેર પ્રા.લિ.ની ઓફિસ ઉપર સવારે સાત વાગ્યે દરોડો પાડયો હતો.
સંચાલક અભિષેક પાઠકની ધરપકડ
દરોડા દરમિયાન ઓફિસના સંચાલક-મેનેજિંગ ડાયરેક્ટર, વસ્ત્રાલના અક્ષરધામ હાઈટ્સમાં રહેતા અભિષેક રામનારાયણ પાઠક (ઉ.વ. 35)ની પૂછપરછ કરતાં તેણે આ કંપની પોતાના ભાઈ મનીષ પાઠકના નામે રજીસ્ટર કરાવી દવાઓના વેચાણને લગતી કામગીરી બતાવી બિમારીની દવાઓના વેચાણનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ગુગલના માધ્યમથી અમેરિકામાં મોટેલ, સબ-વે અને લિકર શોપ સર્ચ કરીને તેમાં જે નંબરો મળે તેના ઉપર કોમ્પ્યુટર ડાયલરથી કોલ કરીને જુદી જુદી દવાઓની લોભામણી લાલચ આપવામાં આવતી હતી.
અમેરિકામાં રહેતા ભારતીય ગ્રાહકોને દવા માટે લલચાવી ડોલર મેળવ્યા પછી દવા મોકલાતી નહોતી. જો દવા મોકલતા અને ગુણવત્તા અંગે ફરિયાદ આવે તો રિફંડ આપતા નહીં હોવાની કેફીયત પણ સંચાલક- ડાયરેક્ટર અભિષેકે પોલીસને આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે ઓફિસમાંથી 30 ફોન કબજે કર્યા
નવરંગપુરા પોલીસે દરોડો પાડયો ત્યારે ઓફિસમાં કોલીંગ ડાયલર ઉપર કામ કરતાં 23 યુવક-યુવતીઓ મળી આવ્યાં હતાં. આ તમામ લોકો યુ.એસ.થી જ બોલતા હોવાનું કહી અમેરિકામાં વસતા ભારતીયો સાથે વાત કરી દવાના બહાને છેતરપિંડીનું કારસ્તાન કરતા હતા. ઓફિસમાં મેનેજરો તરીકે કામ કરતા નિખીલ મહાવીરકુમાર જૈન, કરણસિંહ બળદેવસિંહ ચૌહાણ મળી આવ્યા હતા. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અભિષેક પાઠકના કોમ્પ્યુટરમાં જુદા જુદા દેશોના નંબર જનરેટ કરી શકાય તેવું સોફ્ટવેર પણ મળ્યું હતું. પોલીસે ઓફિસમાંથી કુલ 30 જેટલા ફોન પણ કબજે કર્યા હતા.
મુખ્ય સંચાલક સહિત ચાર આરોપીઓના રિમાન્ડ
અમદાવાદમાં બેઠાં બેઠાં અમેરિકામાં દવાના બહાને છેતરપિંડીના કેસમાં નવરંગપુરા પોલીસે મુખ્ય સંચાલક અભિષેક પાઠક ઉપરાંત નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણને બે દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યા હોવાનું નવરંગપુરા પી.આઈ. કે. એ. ગઢવીએ જણાવ્યું હતું. આરોપી છ-સાત મહિનાથી અમેરિકામાં ઠગાઈ ય આચરવા કોલ સેન્ટર ચલાવતો હતો. ડોલરમાં કેટલા પૈસા મેળવાયા? પૈસા ક્યાં ગયા? પકડાયેલા 24માંથી 23 કર્મચારીઓને કઈ રીતે લાવવામાં આવ્યા? તેમને કેટલો પગાર કમિશન આપવામાં આવતું હતું તે સહિતના મુદ્દે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે.

