કોળી યુવક-રાજપૂત યુવતીના પ્રેમલગ્નનો પરિવારને વિરોધ, હાઈકોર્ટની બાંહેધરી બાદ દંપતીને સાથે રહેવાની મંજૂરી

કોળી યુવક-રાજપૂત યુવતીના પ્રેમલગ્નનો પરિવારને વિરોધ, હાઈકોર્ટની બાંહેધરી બાદ દંપતીને સાથે રહેવાની મંજૂરી
તસવીર: AI
આ સમાચાર સાંભળો

સુરેન્દ્રનગર જિલ્લાના એક નવવિવાહિત આંતરજ્ઞાતીય યુગલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. યુવતીના પરિવારે દંપતીને હેરાન ન કરવા અને તેમના લગ્નજીવનમાં કોઈ દખલગીરી ન કરવા અંગેનું સોગંદનામું (અંડરટેકિંગ) કોર્ટમાં રજૂ કર્યા બાદ, હાઈકોર્ટે દંપતીને સાથે રહેવાની મંજૂરી આપી છે. 19 વર્ષીય યુવતીએ કોર્ટ સમક્ષ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે તેનો પરિવાર તેને પતિ સાથે શાંતિપૂર્વક રહેવા દેશે નહીં, જેને પગલે કોર્ટે પરિવાર પાસેથી આ બાંહેધરી માંગી હતી.

શું હતો સમગ્ર મામલો?

જાહેરાત

કોળી સમાજના યુવક અને રાજપૂત સમાજની યુવતીએ ગત 11 સપ્ટેમ્બરના રોજ ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. યુવતીના માતા-પિતાને આ લગ્નની જાણ થતા જ તેમણે યુવતીને ઘરમાં ગોંધી રાખી હતી. પત્નીનો કોઈ સંપર્ક ન થઈ શકતા પતિએ એડવોકેટ દર્શન વેગડ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં 'હેબિયસ કોર્પસ' (બંદી પ્રત્યક્ષીકરણ) અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટના નિર્દેશ બાદ યુવતીને જસ્ટિસ ભાર્ગવ કારિયા અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. યુવતીએ જજોને સ્પષ્ટ જણાવ્યું હતું કે તે તેના પતિ સાથે જવા માંગે છે, જેથી ખંડપીઠે તેને સાસરે જવાની મંજૂરી આપી હતી. જોકે, યુવતીએ અરજીમાં પ્રતિવાદી એવા તેના માતા-પિતા અને બે કાકા તરફથી હેરાનગતિ થવાનો ડર વ્યક્ત કર્યો હતો. યુવતીની આ ચિંતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેના પરિવારજનોને દંપતીના લગ્નજીવનમાં દખલ ન કરવા અંગેનું સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

પરિવારે સોગંદનામામાં શું કહ્યું?

યુવતીના પરિવારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, "અમે આથી સ્પષ્ટપણે બાંહેધરી આપીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી યુવતી પોતાની મરજીથી અરજદાર (પતિ) સાથે રહેવાનું પસંદ કરે ત્યાં સુધી અમે તેમના લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારે દખલગીરી કરીશું નહીં, કે તેમના વૈવાહિક સંબંધોમાં કોઈ અવરોધ કે અડચણ ઊભી કરીશું નહીં."

સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે, "અમે એવી પણ બાંહેધરી આપીએ છીએ કે ન તો અમે કે ન તો અમારા કહેવાથી કે અમારા વતી કોઈ અન્ય વ્યક્તિ યુવતીને તેના પિયર પાછા ફરવા માટે કે તેની પોતાની સ્વતંત્ર ઈચ્છા અને સંમતિ વિરુદ્ધ વર્તન કરવા માટે હેરાન કરશે, ધમકી આપશે, ડરાવશે, દબાણ કરશે કે કોઈ અયોગ્ય પ્રભાવ પાડશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત