ED Raid in Ahmedabad: એમ્બર અને ઉમદા ટોબેકો ગૃપ પર ED ત્રાટક્યું; દુબઈમાં બેનામી પ્રોપર્ટીના મળ્યા પુરાવા

ED Raid in Ahmedabad: અમદાવાદ શહેરમાં આજે મોટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાણીતા અનસ ગૃપ અને તેના ભાગીદારોના કુલ 9 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગૃપ મુખ્યત્વે એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ હેઠળ તમાકુના ઉત્પાદન અને પેકેજિંગના વ્યવસાય સાથે જોડાયેલું છે.
દરોડામાં પકડાયો 'ખજાનો'
ED દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં કરોડોની અઘોષિત મિલકત સામે આવી છે. તપાસ દરમિયાન અધિકારીઓને નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવી છે:
રોકડ: કુલ 1.01 કરોડ રૂપિયાની રોકડ રકમ.
વિદેશી ચલણ: 33.34 લાખ રૂપિયાની કિંમતની વિદેશી ચલણી નોટો.
સોનું: વિદેશી ચિન્હવાળા 1.6 કિલોગ્રામ વજનના 16 સોનાના બાર (બજાર કિંમત આશરે 2.5 કરોડ).
ચાંદી: કુલ 80 કિલોગ્રામ વજનના 168 ચાંદીના બાર (બજાર કિંમત આશરે 2 કરોડ).
દુબઈ કનેક્શન અને ફેમા હેઠળ કાર્યવાહી
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોના નામે દુબઈમાં પણ મોટી પ્રોપર્ટીઓ આવેલી છે. EDને તપાસ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ હાથ લાગ્યા છે. હાલમાં ED દ્વારા ફેમા (Foreign Exchange Management Act - FEMA) કાયદા અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઓપરેશનને પગલે શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

