અમદાવાદમાં ગિગ વર્કરોના પડતરના પ્રશ્નો મુદ્દે ડ્રાઈવરોનો વિરોધ, હડતાળને બદલે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી

ગિગ વર્કરોના દેશવ્યાપી પ્રદર્શનના ભાગરૂપે ગુજરાત સારથિ સંઘ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રકારના ડ્રાઇવરોનું સંમેલન અને દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદો પસાર કરાયો હોવા છતાં રાજ્યમાં ગિગ વર્કરો માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણ બોર્ડની રચના ન થઈ હોવાનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો છે.
કલ્યાણ બોર્ડ, CNGના ભાવ અને શોષણ સામે રજૂઆત
ગુજરાત સારથિ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ‘ઇફટા’ (IFAT)ના નેજા હેઠળ ગિગ વર્કરો માટે કલ્યાણ બોર્ડ બનાવવા, સામાજિક કાયદાઓનું પાલન કરાવવા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રદર્શનો થઈ રહ્યા છે. બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમિકોની જેમ ગિગ વર્કરો માટે પણ કલ્યાણ બોર્ડ અનિવાર્ય છે. આ ઉપરાંત, સીએનજી ગેસના સતત વધતા ભાવ અને એગ્રીગેટર કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને ડ્રાઇવરોના થતા શોષણ મુદ્દે પણ તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
હડતાળને બદલે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડતની ચીમકી
સંઘના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે જો માંગણીઓ નહીં સંતોષાય, તો આંદોલન કે હડતાળ જેવાં પગલાં ભરવાને બદલે કાનૂની માર્ગ અપનાવવામાં આવશે. હડતાળથી સામાન્ય ડ્રાઇવરોની રોજીરોટીને નુકસાન પહોંચે છે, તેથી સંયુક્ત મોરચાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કાનૂની લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ કોરોનાકાળમાં પણ ઇફટાના નેજા હેઠળ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરાઈ હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
કોને કહેવાય ગિગ વર્કરો?
ઓનલાઇન એપ કે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કામ કરતા કર્મચારીઓને ‘ગિગ વર્કરો’ કહેવામાં આવે છે. તેમાં ઓનલાઇન બુકિંગ કેબ-રિક્ષા ડ્રાઇવરો, ફૂડ અને ગ્રોસરી ડિલિવરી બોય તેમજ એપ આધારિત અન્ય સેવાઓ આપતા કામદારોનો સમાવેશ થાય છે. તેઓ કાયમી પગારદાર કર્મચારીને બદલે દરેક ટ્રિપ કે ઓર્ડર દીઠ કમાણી કરતા હોય છે.










