ગેસ બિલના નામે સાયબર ઠગાઈનો શિકાર, દંપતીના ખાતામાંથી રૂ.11.58 લાખ ઉડાવી લીધા

Ahmedabad Cyber Fraud: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક દંપતી સાથે ગેસ બિલ (Gas Bill) અપડેટ કરવાના બહાને મોટી સાયબર છેતરપિંડી (Cyber Fraud) થઈ છે. સાયબર ઠગોએ વોટ્સએપ (WhatsApp) પર મેસેજ મોકલી ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દંપતીના મોબાઈલમાં ‘ગેસ બિલ અપડેટ’ના નામે શંકાસ્પદ APK એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી બંને ફોનનો રિમોટ એક્સેસ (Remote Access) મેળવી લીધો હતો. માત્ર રૂ.10નું પેમેન્ટ કરાવવાના બહાને ઠગોએ બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ રૂ.11,58,442 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે પીડિતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વોટ્સએપ પર આવ્યો ગેસ બિલનો મેસેજ
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 49 વર્ષીય જિગર મોદી આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગત 6 સપ્ટેમ્બરે તેમના વોટ્સએપ નંબર પર ‘અદાણી ગેસ લિમિટેડ’ના નામે એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં તેમનું PNG ગેસ બિલ સિસ્ટમમાં અપડેટ ન થયું હોવાનું જણાવી તાત્કાલિક બિલ ક્લિયર નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી હતી.
મેસેજમાં આપવામાં આવેલા નંબર પર જિગરભાઈએ સંપર્ક કરતાં સામેથી વાત કરનારે પોતાની ઓળખ રાકેશ મિશ્રા તરીકે આપી હતી. તેણે બિલ અપડેટ કરવાના બહાને વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી અને તેને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ એકાઉન્ટ વેરિફિકેશન (Account Verification)ના નામે માત્ર રૂ.10નું ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
રૂ.10ના પેમેન્ટના બહાને મોબાઈલનો એક્સેસ મેળવ્યો
જિગરભાઈએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો નાખીને પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વારંવાર પેમેન્ટ એરર (Payment Error) આવતો હતો. આ દરમિયાન ઠગે મોબાઈલ નેટવર્કમાં ટેકનિકલ સમસ્યા હોવાનું કહી જિગરભાઈની પત્નીનો મોબાઈલ નંબર માંગ્યો હતો.
ત્યારબાદ તેમની પત્નીના મોબાઈલમાં પણ એ જ APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી પેમેન્ટ કરવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો. સતત પેમેન્ટમાં એરર આવતાં દંપતીને શંકા ગઈ હતી અને જિગરભાઈએ ફોન કાપી નાખ્યો હતો.
બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી રૂ.11.58 લાખ ઉડાવ્યા
જોકે ત્યાં સુધીમાં નકલી APK એપ્લિકેશનના માધ્યમથી સાયબર ઠગોએ બંને મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ઠગોએ જિગરભાઈના બેન્ક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ રૂ.11,58,442ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
ખાતામાંથી પૈસા ઉપડી ગયાના મેસેજ મળતાં જ દંપતીને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે ગેસ બિલ, વીજળી બિલ કે અન્ય સરકારી-ખાનગી સેવાઓના નામે આવતા અજાણ્યા મેસેજ અથવા APK ફાઈલ પર વિશ્વાસ કરવો નહીં. કોઈપણ અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલાં તેની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.

