ઝોમેટો -સ્વિગીના ફેક મેસેજ મોકલીને અમદાવાદના વેપારી સાથે ₹1.64 લાખની ઠગાઈ, સાયબર ગઠિયાઓની નવી ચાલ

દેશભરમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના હાંસોલમાં રહેતા એક 27 વર્ષીય વેપારી સાયબર ઠગોનો ભોગ બન્યા છે. સાયબર ગઠિયાઓએ વેપારીનો મોબાઈલ ફોન હેક કરી તેમના HDFC બેંક ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹1,64,700ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. આ ઘટના સંદર્ભે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝોમેટો, સ્વિગી અને ક્રેડના ફેક મેસેજનો મારો
અમદાવાદ શહેરના હાંસોલના ઇન્દિરા સર્કલ પાસે આવેલી પટેલ સોસાયટીમાં રહેતા ધીરજ રામરખ્યાણી નરોડા મેમ્કો નજીક પિતાની ફ્રૂટ શોપના વ્યવસાયમાં મદદ કરે છે. 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન તેઓ ઘરે હતા, ત્યારે તેમના મોબાઈલ પર ઝોમેટો, સ્વિગી, ખાતાબુક, ડિસ્ટ્રિક્ટ અને ક્રેડ જેવી વિવિધ એપ્લિકેશન્સના ફેક મેસેજોનો મારો શરૂ થયો હતો. આ પ્રકારના મેસેજ આવ્યાના થોડા જ સમયમાં તેમના HDFC બેંકના ખાતામાંથી 'બલિન્દર ક્રિયાના' નામે ₹48,000 ડેબિટ થવાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તુરંત જ વધુ બે ટ્રાન્ઝેક્શન મારફતે અનુક્રમે ₹56,000 અને ₹60,700 કપાઈ ગયા હતા. આ રીતે કુલ ₹1,64,700 ખાતામાંથી ઉપડી જતાં વેપારી ચોંકી ઉઠ્યા હતા.
સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી
આ કોઈ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોવા છતાં રકમ ડેબિટ થતાં જ ધીરજભાઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. તેઓ તુરંત જ તેમના મિત્ર સાથે બેંક પહોંચ્યા હતા. બેંક અધિકારીઓની સલાહ મુજબ તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે વિધિવત ફરિયાદ દાખલ કરાઈ છે.
SMS બોમ્બિંગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ
આ સાયબર ફ્રોડમાં ગઠિયાઓએ 'SMS બોમ્બિંગ' મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પદ્ધતિમાં પીડિતના નંબર પર એકસાથે અનેક એપ્સના મેસેજ મોકલાય છે, જેથી યુઝર સતત આવતા મેસેજથી મૂંઝાઈ જાય. આમ કરવા પાછળનો મુખ્ય હેતુ બેંકમાંથી પૈસા કપાયાનો અસલી મેસેજ કે OTP મેસેજ બોક્સમાં નીચે દબાઈ જાય અને તાત્કાલિક ધ્યાને ન આવે, જેથી સાયબર ભોગ બનનારી વ્યક્તિ સમયસર એકાઉન્ટ બ્લોક ન કરાવી શકે.

