Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Brutal murder of a young man on a public road in broad daylight in Meghaninagar

અમદાવાદમાં લોહિયાળ ખેલ, મેઘાણીનગરમાં ધોળા દિવસે જાહેર રસ્તા પર યુવકની સરેઆમ ઘાતકી હત્યા

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચહેલપહેલથી ધમધમતો જાહેર રસ્તો, પસાર થતા અનેક વાહનો અને રાહદારીઓની નજર. અને આ બધાની વચ્ચે અચાનક ચીસાચીસ થાય છે અને ગણતરીની મિનિટોમાં જ રસ્તો લોહીથી લથપથ થઈ જાય છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર કાયદાના લીરેલીરા ઉડાડતો એક એવો લોહિયાળ ખેલ ખેલાયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. એક યુવકની સરેઆમ ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

App Store

ધોળા દિવસે ખેલાયો 'મોતનો ખેલ'

મેઘાણીનગરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક યુવક પર અજાણ્યા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરોના મનમાં પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, તેમણે ધોળા દિવસે અને જાહેર જનતાની હાજરીમાં જ તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકને સંભાળવાની તક પણ ન મળી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ સનસનીખેજ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાય છે. ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા.

ખાખીનો ખોફ ક્યાં? કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર!

આ ઘટનાએ અમદાવાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગના દાવાઓ પર એક મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે મેઘાણીનગરનો વ્યસ્ત રોડ છે. સવાલ ઉભો થાય છે કે જાહેર રોડ પર આ પ્રકારે બેખોફ બનીને હત્યા કરવાનું સાહસ ગુનેગારોમાં ક્યાંથી આવે છે? ધોળા દિવસે આ પ્રકારે આચરાયેલો ગુનો એ સાબિત કરે છે કે અસામાજિક તત્વોમાં 'ખાખી'નો કોઈ ખોફ રહ્યો નથી. આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકો હવે તે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ

જાહેર રોડ પર હત્યાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે એકત્રિત થયેલા ટોળાંને વિખેરી નાખ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ સીનને કોર્ડન કરી, જરૂરી પુરાવા એકત્રિત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ માટે મોટો પડકાર

આ હત્યા પાછળનું કારણ શું હતું? કોઈ જૂની અદાવત, અંગત અણબનાવ કે પછી કોઈ તત્કાલીન ઝઘડો? આ તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના CCTV ફૂટેજ પણ ખંગોળવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, કાયદો અને વ્યવસ્થાની આબરૂ ધૂળમાં મેળવનારા આ બેખૌફ હત્યારાઓને અમદાવાદ પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.