ભાડા કરારના નવા કાયદાને લઈને મોટો યુ-ટર્ન: રાજ્યપાલે સહી અટકાવી, જૂનો કાયદો જ ચાલુ રાખવાની સરકારે આપી ખાતરી!

રાજ્યભરમાં વકીલોના ભારે વિરોધ અને હડતાળ વચ્ચે ગુજરાત ભાડા બિલ 2026 સંબંધિત વિવાદમાં મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ઍડ્વૉકેટ જનરલે જણાવ્યું છે કે, 'સરકાર વકીલો સાથે મળીને તેની માંગણીઓ અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે.'
હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ એસોસિયેશન પણ જોડાયું હતું હડતાળમાં
છેલ્લા કેટલાક દિવસોથી સરકારે રજૂ કરેલા ‘ભાડા બિલ 2026’ની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના 182 જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. વિરોધના આહ્વાન પગલે આજે (પાંચમી ઑક્ટોબર) સવારે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ ઍસોસિયેશન પણ કોર્ટની કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું, જેના કારણે હાઇકોર્ટ સહિત તમામ નીચલી કોર્ટમાં ન્યાયિક કામગીરી ખોરવાઈ ગઈ હતી.
હાઇકોર્ટમાં પરિસ્થિતિ અંગે વાત કરતાં ઍડ્વૉકેટ જનરલે જણાવ્યું હતું કે, 'હાલના સમય કોર્ટ એક દિવસ પણ ના ચાલે તો સ્થિતિ ખરાબ છે. વકીલોની જે પણ માંગણીઓ અને રજૂઆતો છે, તેને સરકારે ગંભીરતાથી સાંભળીને સકારાત્મક નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આથી જ ભાડા કરાર સંબંધિત નવો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.'

