અમદાવાદીઓ સાવધાન! 18થી 25 નવેમ્બર સુધી આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસે જાહેર કર્યો વૈકલ્પિક રૂટ

અમદાવાદમાં હેરિટેજ વીકની ઉજવણીને પગલે ટ્રાફિકનું મોટું એલર્ટ! ભદ્રકાળી મંદિર અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર માટે જાહેર કરાયા પ્રતિબંધો, 7 રસ્તાઓ પર અવરજવર બંધ રહેશે. ટ્રાફિકમાં ફસાવું ન હોય તો જાણી લો પોલીસનો વૈકલ્પિક રૂટ.
અમદાવાદ: અમદાવાદમાં હેરિટેજ વીકની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસે ખાસ ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરી છે. ભદ્રકાળી મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં કાર્યક્રમ દરમિયાન વાહનોની અવરજવર નિયંત્રિત કરવામાં આવશે. જેના પગલે કેટલાક મુખ્ય રસ્તાઓ વાહનચાલકો માટે બંધ રહેશે. આથી જો તમે આ વિસ્તારોમાંથી પસાર થવાના હોવ તો ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિકના વૈકલ્પિક રૂટ જાણી લેજો.
આ 7 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ રહેશે
1. ભદ્ર મંદિરથી ત્રણ દરવાજા તરફનો માર્ગ.
2. ભદ્ર પરિસરના તમામ ગેટથી વાહનોની અવરજવર.
3. વિજય દરવાજેથી ભદ્ર મંદિર તરફ આવતો માર્ગ.
4. જૂના પંચાયતથી બહુચર માતાજીના મંદિર થઈ ભદ્ર તરફ આવતો માર્ગ.
5. પાંજરાપોળ ચાર રસ્તાથી ત્રણ દરવાજા તરફ જતો માર્ગ.
6. રિલીફ ચાર રસ્તાથી ભદ્ર તરફ આવતો માર્ગ (અટલ મસ્જિદ પાસેનો ગેટ).
7. વિક્ટોરિયા ગાર્ડનથી આઈ.પી. મિશન થઈ ભદ્ર તરફ જતો માર્ગ.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કર્યા છે.
- અટલ બ્રિજથી ખમાસા થઈ AMC ઓફિસ અને માધવચોક તરફ જઈ શકાશે.
- નહેરુ બ્રિજથી સૈયદની જાળી થઈ રિલીફ રોડ અને કાલુપુર તરફ જઈ શકાશે.
- નહેરુ બ્રિજથી સૈયદની જાળી થઈ જૂના પંચાયત, સેશન કોર્ટ અને વિક્ટોરિયા ગાર્ડન તરફ જઈ શકાશે.
- ધી-કાંટા ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા થઈ માધવચોક અને ખાડિયા તરફ જઈ શકાશે.
પોલીસની વાહનચાલકોને અપીલ
હેરિટેજ વીક દરમિયાન ટ્રાફિકની અવરજવર સરળ રહે તે માટે વાહનચાલકોને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
તેથી અમદાવાદીઓ, ઘરેથી નીકળતા પહેલાં આ ટ્રાફિક રૂટની માહિતી ચોક્કસ જાણી લેજો, જેથી બિનજરૂરી ટ્રાફિક અને સમયના બગાડથી બચી શકાય.











