અમદાવાદીઓ ધ્યાન આપો! દિવાળીના દિવસે મેટ્રો સેવા વહેલી બંધ થશે, જાણો છેલ્લી ટ્રેનનો સમય

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે ફટાકડાના વધુ પડતા ઉપયોગથી મેટ્રો ટ્રેનને સંભવિત નુકસાન ન થાય તે માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દિવાળીના પર્વે (8મી નવેમ્બર) તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
મેટ્રો ટ્રેનનું સમયપત્રક
- વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:00 કલાકે ઉપડશે.
- થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:05 કલાકે ઉપડશે.
- APMCથી કોટેશ્વર રોડ: છેલ્લી ટ્રેન સાંજે 7:00 કલાકે ઉપડશે.
- કોટેશ્વર રોડથી APMC: છેલ્લી ટ્રેન સાંજે 7.05 કલાકે ઉપડશે.
અમદાવાદ મેટ્રો સર કરી રહી છે નવા આયામ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેટ્રોમાં સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 1.53 લાખ લોકો સફર કરે છે. ઓગસ્ટ અને ઓક્ટોબર 2026ના સમયગાળા દરમિયાન આ દૈનિક સરેરાશ વધીને 1.74 લાખ સુધી પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે જુલાઈ 2026માં મેટ્રોએ ઇતિહાસમાં પહેલીવાર એક મહિનામાં 50 લાખથી વધુ (51.12 લાખ) મુસાફરોનો આંકડો પાર કર્યો હતો. જ્યારે ઓગસ્ટ 2026માં અત્યાર સુધીના સૌથી વધુ 54.29 લાખ મુસાફરોએ એક જ મહિનામાં સફર કરી હતી.






