અમદાવાદીઓને દિવાળી પહેલાં મોટો ઝટકો: અદાણી CNGમાં ₹2.30નો વધારો, 14 દિવસમાં જ બીજો ફટકો

અમદાવાદીઓને દિવાળી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં માત્ર 14 દિવસના ગાળામાં જ બીજો મોટો વધારે ઝીંકી દીધો છે. આ વખતે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવતા સીએનજીના નવા ભાવ રૂ.100.77 ને વટાવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણીએ 23 ઓક્ટોબર 2026 ના રોજ એકઝાટકે 4 રૂપિયાથી વધુનો વધારો ઝીંકતા સીએનજી પ્રતિ કિલોએ રૂ.98.47 એ પહોંચી ગયો હતો. આ સાથે તહેવાર ટાણે જ હવે લોકોના ખિસ્સા પર મોટી કાતર ફરશે. ટેક્સી-રિક્ષાના ભાડા આકાશ આંબી શકે છે. વાહનચાલકોની સાથે સાથે મુસાફરોને પણ આ ભાવ વધારો નડશે એ નક્કી છે.
અગાઉ 1 ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં પણ સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો એકઝાટકે વધારો કરાયો હતો અને હવે સીધો 2.30 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો આવતા ત્રણ મહિનામાં જ સીએનજીના ભાવ આકાશ આંબી ગયા છે અને 100ને પાર જતા રહ્યા છે.






