ઝૂલતા મિનારા આસપાસના વિસ્તારને ખુલ્લો અને સુવ્યવસ્થિત રીતે વિકસાવવાની દિશામાં AMCની કામગીરી

ઝૂલતા મિનારા આસપાસના વિસ્તારને ખુલ્લો અને સુવ્યવસ્થિત રીતે વિકસાવવાની દિશામાં AMCની કામગીરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શહેરના ઐતિહાસિક ઝૂલતા મિનારાને આસપાસથી ખુલ્લો અને વધુ સુવ્યવસ્થિત બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર આવેલા ઝૂલતા મિનારા અને જૂના રોજી સિનેમા રોડ નજીક વર્ષો પહેલાં ભાડાપટ્ટા અને રેન્ટ પરમિટના આધારે ફાળવવામાં આવેલી આશરે 20 દુકાનો તથા કોમર્શિયલ એકમો દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીથી આશરે 2,500 ચોરસ મીટર જગ્યા કોર્પોરેશનને પરત મળી છે.

જાહેર પ્લાઝા તરીકે વિકસાવવાનું આયોજન

કાલુપુર રેલવે સ્ટેશનનું વ્યાપક રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દરરોજ અંદાજે 3 લાખ મુસાફરોની અવરજવર થવાની સંભાવના છે. સ્ટેશનની બાજુમાં આવેલા ઐતિહાસિક અને કેન્દ્રીય રક્ષિત સ્મારક ઝૂલતા મિનારાનું ઐતિહાસિક મહત્ત્વ, સ્થાપત્ય અને કુદરતી સૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી AMC દ્વારા આસપાસના વિસ્તારને જાહેર પ્લાઝા (Public Plaza) તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તાર વધુ ખુલ્લો, સુવ્યવસ્થિત અને નાગરિકો માટે આકર્ષક બને તે માટે કોર્પોરેશને સંબંધિત 20 ભાડુઆતોને ભાડા કરારની શરતો અનુસાર 30 દિવસમાં જગ્યા ખાલી કરીને પરત સોંપવા સૂચના આપી હતી.

જાહેરાત

13 ભાડુઆતોએ વાંધા રજૂ કર્યા

કોર્પોરેશનની સૂચના બાદ 20 પૈકી આશરે 13 ભાડુઆતોએ વાંધા અને રજૂઆતો કરી હતી. AMC દ્વારા તમામ રજૂઆતોની સુનાવણી (Hearing) કરવામાં આવી હતી. ત્યારબાદ જગ્યા કોર્પોરેશનને પરત સોંપવા અંગે આદેશ કરવામાં આવ્યો હતો.

5 JCB અને 25 કર્મચારીઓની ટીમે હાથ ધરી કાર્યવાહી

આજે, 28 નવેમ્બર 2026ના રોજ AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં 5 JCB મશીનો અને આશરે 25 કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. કાર્યવાહી દરમિયાન આશરે 2,500 ચોરસ મીટર જગ્યા પરનો કબજો પરત મેળવવામાં આવ્યો હતો.

હવે રસ્તા પરથી સ્પષ્ટ દેખાશે ઝૂલતા મિનારા

આસપાસનાં દબાણો અને બાંધકામો દૂર થતાં લાંબા સમયથી અન્ય બાંધકામોની પાછળ ઢંકાયેલા ઝૂલતા મિનારા હવે માર્ગ પરથી સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા છે. આ માર્ગ પરથી પસાર થતા નાગરિકો અને મુસાફરોને ઐતિહાસિક સ્મારકનું વધુ સુંદર દૃશ્ય જોવા મળશે. AMCના આયોજન મુજબ, આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારને વધુ ખુલ્લો અને સુવ્યવસ્થિત જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત