Video: ધોળકાના ખેડૂતોની સીતાફળની ખેતીથી આર્થિક સમૃદ્ધિની નવી ક્રાંતિ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું કેલીયા વાસણા ગામ અને તેની આસપાસનો સરોડા, ચલોડા, નેસડા આંબારેલી, પાલડી, સીમેજ, આંબલીયારા, ધૂળજીપુરા, નવાપુરા, ભાત અને બદરખા સહિતનો પટ્ટો હવે બાગાયતી ક્રાંતિનું મજબૂત કેન્દ્ર બની રહ્યો છે. ઓછા પાણી અને ખારી-ભાઠી જમીનમાં પરંપરાગત પાકોમાં અપેક્ષિત વળતર ન મળતાં અહીંના ખેડૂતોએ સીતાફળની ખેતી અપનાવીને સમૃદ્ધિની નવી કેડી કંડારી છે. પ્રગતિશીલ ખેડૂતો હવે બાલાનગર, અર્કા સહાન અને NMK-1 ગોલ્ડન જેવી સુધારેલી કલમી જાતના સીતાફળનું વાવેતર કરી રહ્યા છે, જે સ્વાદ, કદ અને સંગ્રહશક્તિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનો કરકસરયુક્ત ઉપયોગ અને નિયમિત છાંટણીને કારણે માત્ર અઢીથી ત્રણ વર્ષમાં જ ઝાડ પર મબલખ ફળ આવવાના શરૂ થઈ જાય છે. એકવાર વાવેતર કર્યા બાદ આ બગીચા સતત ૨૫ વર્ષ સુધી નિયમિત આવક આપવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ખેડૂતોને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા મળી રહી છે. આધુનિક બાગાયતી અભિગમ, સજીવ અને સંતુલિત પોષણ વ્યવસ્થાપન તથા બદલાતા બજારના વલણને સમજીને ધોળકા પંથકના ખેડૂતોએ જોખમ ઘટાડીને ટકાઉ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે આસપાસના અન્ય ગામોના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે.
ખર્ચ અને નફાના ગણિત પર નજર કરીએ તો, એક વીઘામાં પ્રારંભિક ૨૨ થી ૩૫ હજારના ખર્ચ સામે પાંચ વર્ષ બાદ પ્રતિ ઝાડ ૨ થી ૩ મણ એટલે કે ૪૦ થી ૬૦ કિલો જેટલું ઉત્પાદન મળે છે. આ મુજબ, ખેડૂતો વાર્ષિક નિભાવ ખર્ચ બાદ કરતાં એક વીઘામાંથી અંદાજે ૧.૩૦ થી ૧.૪૦ લાખનો ચોખ્ખો નફો રળી રહ્યા છે. હાલ બજારમાં ગુણવત્તા મુજબ હોલસેલમાં ૩૦ થી ૧૧૦ પ્રતિ કિલો અને છૂટક બજારમાં ૬૦ થી ૧૪૦ પ્રતિ કિલોના ઊંચા ભાવ મળી રહ્યા છે. સીતાફળના કદ અને ગુણવત્તા અનુસાર ગ્રેડિંગ અને આકર્ષક બોક્સ પેકિંગ કરીને અમદાવાદના બજારોમાં સીધું વેચાણ કરવાથી મધ્યસ્થીઓની કડી ઘટી છે અને ખેડૂતોની આવકમાં બમણો વધારો થયો છે. સીધું વેચાણ અને બ્રાન્ડિંગની આ પદ્ધતિથી ફળોને પરિવહન દરમિયાન થતું નુકસાન પણ અટક્યું છે અને ગ્રાહકોને તાજા તથા ગુણવત્તાયુક્ત સીતાફળ મળી રહ્યા છે. આમ, ઓછા ખર્ચે અને ઓછા પાણીએ ઊંચું વળતર આપતી સીતાફળની ખેતી ધોળકા તાલુકાના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ અને મજબૂતી આપી રહી છે.















